પ્રધાનમંત્રી આવતીકાલે શ્રીનગરની મુલાકાત દરમિયાન ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે
Live TV
-
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી J&Kમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ રૂ. 5000 કરોડના મૂલ્યનો કાર્યક્રમ - ‘સંકલિત કૃષિ વિકાસ કાર્યક્રમ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમજ સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ 1400 કરોડથી વધુના પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે, જેમાં શ્રીનગરના 'હઝરતબાલ તીર્થના સંકલિત વિકાસ' માટેના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ‘દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ’ અને ‘ચલો ઈન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેઈન’ની પણ શરૂઆત કરશે. તે ચેલેન્જ બેઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (CBDD) સ્કીમ હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની પણ જાહેરાત કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરના લગભગ 1000 નવા સરકારી ભરતીઓને નિમણૂકના ઓર્ડરનું વિતરણ કરશે અને મહિલા સિદ્ધિઓ, લાખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યમીઓ વગેરે સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.
પ્રધાનમંત્રી લગભગ 43 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે જે દેશભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની વિશાળ શ્રેણીનો વિકાસ કરશે. આમાં આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં અન્નાવરમ મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે; તમિલનાડુના તંજાવુર અને માયલાદુથુરાઈ જિલ્લામાં અને પુડુચેરીના કરાઈકલ જિલ્લામાં નવગ્રહ મંદિરો; કર્ણાટકના મૈસુર જિલ્લાનું શ્રી ચામુંડેશ્વરી દેવી મંદિર; રાજસ્થાનના બિકાનેર જિલ્લાનું કરણી માતા મંદિર; હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાનું મા ચિંતપૂર્ણી મંદિર; ગોવામાં આવેલું બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ સહિતના અન્યનો વિકાસ કરાશે. પ્રોજેક્ટ્સમાં અરુણાચલ પ્રદેશમાં મેચુકા એડવેન્ચર પાર્ક જેવા અન્ય વિવિધ સ્થળો અને અનુભવ કેન્દ્રોના વિકાસનો પણ સમાવેશ થાય છે; ગુંજી, પિથોરાગઢ, ઉત્તરાખંડ ખાતે ગ્રામીણ પ્રવાસન ક્લસ્ટરનો અનુભવ; અનંતગીરી જંગલ, અનાથાગીરી, તેલંગાણા ખાતે ઇકોટુરિઝમ ઝોન; સોહરા, મેઘાલય ખાતે મેઘાલય યુગની ગુફાનો અનુભવ અને વોટરફોલ ટ્રેલ્સનો અનુભવ; સિન્નામારા ટી એસ્ટેટ, જોરહાટ, આસામની પુનઃકલ્પના; કાંજલી વેટલેન્ડ, કપૂરથલા, પંજાબ ખાતે ઇકો ટુરિઝમનો અનુભવ; જુલી લેહ જૈવવિવિધતા પાર્ક, લેહ, સહિતના છે.
પ્રધાનમંત્રી ‘દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ 2024’ના રૂપમાં પર્યટન પર રાષ્ટ્રના ધબકારને ઓળખવા માટે સૌપ્રથમ રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરશે. રાષ્ટ્રવ્યાપી મતદાનનો ઉદ્દેશ્ય સૌથી વધુ પસંદગીના પ્રવાસન આકર્ષણોને ઓળખવા અને 5 પ્રવાસન શ્રેણીઓમાં પ્રવાસીઓની ધારણાઓને સમજવા માટે નાગરિકો સાથે જોડાવવાનો છે - આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વારસો, પ્રકૃતિ અને વન્યજીવન, સાહસ અને અન્ય શ્રેણી. ચાર મુખ્ય કેટેગરી ઉપરાંત, 'અન્ય' કેટેગરી એવી છે કે જ્યાં વ્યક્તિ પોતાના મનપસંદને મત આપી શકે છે અને વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ્સ, વેલનેસ ટુરિઝમ, વેડિંગ ટુરિઝમ વગેરે જેવા અન્વેષિત પ્રવાસન આકર્ષણો અને સ્થળોના સ્વરૂપમાં છુપાયેલા પ્રવાસન રત્નોને ઉજાગર કરવામાં મદદ કરી શકે છે. આ મતદાન કવાયત ભારત સરકારના નાગરિક જોડાણ પોર્ટલ MyGov પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય ડાયસ્પોરાને અતુલ્ય ભારતના એમ્બેસેડર બનવા અને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘ચલો ઈન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેઈન’ શરૂ કરશે.