પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાતના માધ્યમથી દેશવાસીઓ સાથે કર્યો સંવાદ
Live TV
-
કાર્યક્રમની 65મી કડીમાં પ્રધાનમંત્રીએ શ્રમિકોની હાડમારી ઘટાડવા રેલવેએ નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી.ચિંતન કરીને વિશ્વ પર્યાવરણ દિન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા અનુરોધ પણ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારોને વાચા આપી હતી. તેમણે કહ્યું હતું કે સામુહિક સંકલ્પ શક્તિને કારણે કોરોના સંક્રમણ કાળમાં દેશમાં ઘણું બધું બચાવી શકાયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોરોના સામેની લડત લોકઝુંબેશનું રૂપ લઇ ચુકી છે.
પ્રધાનમંત્રીએ એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે સંકટ કાળમાં સર્જનશીલતા અને ઇનોવેશન પ્રવૃત્તિ સ્વયંભૂપણે ખિલી છે. ઓનલાઇન ક્લાસ તેનું ઉદાહરણ છે. ઇનોવેશનના ભાગરૂપે દેશના સંશોધકો દ્વારા તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન પર પણ વિશ્વની નજર ટકેલી છે.
વિશ્વભરના લોકો કોરોના સંક્રમણ અને લોકડાઉનની ભીંસનો સામનો કરી રહ્યા છે તે તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં આ કાળમાં શ્રમિકો સૌથી વધુ હાડમારીનો ભોગ બન્યા હતા. જોકે તેમની હાડમારી ઘટાડવામાં રેલવેએ અદા કરેલી ભૂમિકાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. શ્રમિકોની હાડમારીને જોતાં કેટલાક રાજ્યોએ સ્કીલ મેપિંગ અને માઇગ્રેશન કમિશન જેવા પગલાં લેવાની પહેલ કરી હોવા પરત્વે પણ પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશ પર આવેલા સંકટ વચ્ચે આત્મનિર્ભર ભારતનો વિચાર બુલંદ બનતો જાય છે. લોકો હવે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોના કાળમાં વિશ્વના નેતાઓ યોગ અને આયુર્વેદમાં રૂચિ લઇ રહ્યા છે. આગામી મહિન આવી રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદ અપાવતાં પ્રધાનમંત્રીએ કોરોના સંક્રમણકાળમાં યોગ પર વધુ ધ્યાન આપાવ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોરોના શ્વસન તંત્રને સૌથી વધુ પ્રભાવિત કરે છે તો યોગ શ્વસન તંત્રને સૌથી વધુ મજબૂત કરે છે.
આયુષ્યમાન ભારત યોજનાને મળેલી સફળતાની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ એક કરોડથી વધુ લોકો સુધી પહોંચી ચુક્યો છે.
દેશના પશ્ચિમ વિસ્તાર પર ત્રાટકેલા અમ્ફાન ચક્રવાત અને પશ્ચિમ ભારત પર ત્રાટકેલા તીડ જેવી સમસ્યા તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બધા સાથે મળીને જ આવી આપત્તિઓનો સામનો કરી શકીશુ.
પ્રધાનમંત્રીએ પાંચમી જૂને આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસની યાદ અપાવતાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અને લોકડાઉના સમયમાં પ્રકૃતિ નિખરી છે. કેટલાક પક્ષીઓનો કલરવ ફરી સાંભળવા મળ્યો છે, હવાની ગુણવત્તા સુધરી છે અને આકાશ સ્વચ્છ થયું છે.
ચોમાસું બેસવામાં છે. તેવામાં પ્રધાનમંત્રીએ - જળ એ જ જીવન છે- તે સૂત્રની યાદ અપાવીને જળસંચય કરવા અનુરોધ કર્યો હતો. કોરોના સામેની લડાઇ મંદ ના પડી જાય અને સંક્રમણની સ્થિતી પાછી વકરે નહીં તેની સહિયારી જવાબદારી અદા કરવા પ્રધાનમંત્રીએ સર્વેને અવુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ દો ગજની દૂરી, ચહેરા પર માસ્ક સહિતની સાવધાની રાખવા ખાસ અપીલ કરી હતી.
