બાળકોના રસીકરણ અને ઓમિક્રોન બાબતે કેન્દ્રીય મંત્રીની રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભારતમાં બાળકોને કોરોનાના રસીકરણ અને ઓમિક્રોનના મામલે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાર મૂકતા જણાવ્યું હતું કે, વિશ્વસ્તર પર બાકી દેશો અગાઉની તુલનામાં કોરોનામાં ત્રણ થી ચાર ગણો વધારો થયો હોવાનું અનુભવી રહ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટ અધિક સંક્રામક હોવાથી કોરોનાના ઉછાળાથી આરોગ્ય સેવામાં અડચણ આવી શકે છે. કોરોનાના વધતા જતા કેસોને અનુલક્ષીને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આરોગ્ય સંબંધિત માળખાને વધારવા માટે ફિલ્ડ અથવા અસ્થાયી હોસ્પિટલોના નિર્માણ માટે જણાવાયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની સામૂહિક લડાઈમાં ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ, રસીકરણ તેમજ કોવીડ ઉપયુક્ત વ્યવહાર સૌથી કારગર મંત્ર છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી કોરોના વેક્સિનની આવશ્યકતા અંગે જિલ્લા વાર આંકલન કરીને માહિતી આપવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે આવતીકાલથી રસીકરણ શરુ થઈ રહ્યું છે. બાળકોમાં રસીકરણનો વિકલ્પ ફક્ત કો-વેક્સિન છે.
