બિહારમાં પૂરની સ્થિતિ ચિંતાજનક, 81 લાખ લોકો પૂર અસરગ્રસ્ત
Live TV
-
બિહારમાં પુરની પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. વિવિધ નદીઓનાં વધતાં જળસ્તરનાં પ્રમાણથી અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. રાજ્યના 16 જિલ્લાનાં 81 લાખ લોકો પુરપ્રકોપના કારણે અસરગ્રસ્ત બન્યાં છે. પુરપ્રભાવીત વિસ્તારોમાં 10 રાહત શિબિર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યાં છે, જ્યારે 653 જેટલાં સામુહિક રસોડા દ્વારા પુર અસરગ્રસ્તોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ ગંગા નદી ભયજનક સપાટીને વટાવી ચુકી છે. તો બાગમતી અને ગંડક નદી પણ અનેક સ્થાન પર ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જ્યારે મહાનંદા અને તેની સહાયક નદીઓ સહિતની અન્ય નદીઓ ભયજનક સપાટીની નીચે વહી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ તરફ ઉત્તરપ્રદેશમાં પુરપ્રકોપના કારણે રાજ્યના 15 જિલ્લાના 788 ગામ અસરગ્રસ્ત થયાં છે.
અસરગ્રસ્ત જિલ્લામાં અયોધ્યા, અમ્બેડકર નગર, બારાબંકી, સમસ્તી, દેવરીયા, ગોરખપુર સહિતના જિલ્લાઓ સામેલ છે. રાજ્યમાં શારદા., સરયૂ અને ઘાઘરા જેવી નદીઓ અનેક સ્થાનો પર ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુર અસરગ્રસ્ત રાહત શિબિરોમાં સામાજિક અંતરનું પાલન કરવા માટેના આદેશ આપ્યાં છે. તો પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં SDRF અને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.