બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલયમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર
Live TV
-
દેશભરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. કેટલાક રાજ્યોમાં તો વરસાદે કહેર વર્તાવ્યો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના પહાડી વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. રાજધાની દિલ્હીમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે યમુના નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. યમુના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે દિલ્હીવાસીઓ પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. તો આ તરફ દક્ષિણના રાજ્યોમાં અવિરત મેઘવર્ષા ચાલુ છે. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત મેઘવર્ષાથી નદીઓ તોફાની બની છે. અનેક રસ્તાઓ , હાઈવે જળમગ્ન થયા છે.
પૂર્વના રાજ્યોમાં પણ આ જ સ્થિતિ યથાવત છે. અસમમાં પૂરના કારણે સ્થળાંતરની પણ ફરજ પડી છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. તો પૂર્વના અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ યથાવત છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આકાશી આફતથી અનેક રસ્તાઓ બંધ છે. નેશનલ હાઈવે બંધ છે. જેના કારણે વાહનવ્યવહાર પણ બાધિત થયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં 4 રાજ્યોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે.
