રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય નેતાઓએ સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, લતાજીનું મૃત્યુ તેમના માટે હૃદયદ્રાવક છે. તેમણે કહ્યું કે લતાજી જેવા કલાકાર સદીઓમાં એક જ વાર જન્મે છે. તેમણે કહ્યું કે લતાજી અસાધારણ વ્યક્તિત્વના માલિક હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લતા મંગેશકરના પરિવાર અને ચાહકો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે, તેઓ મહાન ગાયકના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું કે લતાજીના નિધનથી ભારતે એ મધુર અવાજ ગુમાવ્યો છે જેણે દાયકાઓ સુધી ભારત અને વિશ્વભરના સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લતાજીના ગીતોએ વિશાળ શ્રેણીની લાગણીઓ જગાડી હતી. તેમણે કહ્યું કે લતાજી, જેમણે દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ ઉદ્યોગના ફેરફારોને નજીકથી જોયા હતા, તેઓ ભારતના વિકાસ માટે જુસ્સાદાર હતા. પ્રધાનમંત્રી મોદીએ તેમના પરિવાર સાથે વાતચીત કરીને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના વાહક તરીકે હંમેશા યાદ રાખશે.
ગૃહમંત્રી અમિત શાહે પોતાના શોક સંદેશમાં જણાવ્યું હતું કે, લતાજીએ તેમના મધુર અને મંત્રમુગ્ધ અવાજથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની દરેક પેઢીને ભારતીય સંગીતની મધુરતાથી ભરી દીધી છે. સંગીતની દુનિયામાં તેમના પ્રદાનને શબ્દોમાં વર્ણવવું શક્ય નથી.
લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે લતા મંગેશકર દરેક સંગીતપ્રેમીના હૃદયમાં વસે છે. તેમનું અવસાન સમગ્ર કલા જગતને ન પુરી શકાય તેવી ખોટ છે.
