લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત, મણિપુર મુદે ચર્ચા કરવાની માંગને લઇને હોબાળો
Live TV
-
લોકસભામાં વિપક્ષના સભ્યોએ મણિપુર મુદે ચર્ચા કરવાની માંગને લઇને હોબાળો કર્યો
સંસદના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો છે. લોકસભાની કાર્યવાહી શરૂ થવાની સાથે વિપક્ષના સભ્યોએ ઝીરો અવર્સ અને પ્રશ્નકાળ રદ્દ કરીને મણિપુરના પ્રશ્ને ચર્ચા કરવાની માંગ કરી હતી. પ્રધાનમંત્રીએ ગૃહ શરૂ થતાં પહેલા મીડિયાને સંબોધતા મણિપુરની ઘટનાને નિંદનીય ગણાવી હતી. લોકસભામાં વિપક્ષના સભ્યોએ મણિપુર મુદે ચર્ચા કરવાની માંગને લઇને હોબાળો કર્યો હતો અને કાર્યવાહી ચલાવવામાં અડચણો ઉભી કરતા અધ્યક્ષે કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.
રાજ્યસભામાં આજે શરૂઆતમાં ત્રણ સાંસદોના જન્મદિવસ હોવાથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યાર બાદ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સહિત મૃત્યુ પામનાર 4 સભ્યોને શ્રદ્ધાંજલી પાઠવ્યા બાદ કાર્યવાહી શરૂ કરતા વિપક્ષના સભ્યોએ મણિપુરના મુદાની ચર્ચા કરવાની માગ સાથે ઘોંઘાટ શરૂ કરતા ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત રાખી હતી. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે વિપક્ષના સભ્યોએ મણિપુરના મુદ્દે ચર્ચાની વાત છેડી હતી. અધ્યક્ષે જણાવ્યું હતું કે સરકાર ચર્ચા કરવા સંમત છે. ‘મને 176 હેઠળ ચર્ચા માટે કેટલીક અરજીઓ મળી છે. વિરોધ પક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ સસ્પેન્સન ઓફ બિઝનેસ અંગે 267 હેઠળ અરજી આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે અધ્યક્ષે કહ્યું હતું કે, હું યાદી મુજબ આગળ વધીશ. 176 હેઠળની અરજી માટે ગૃહના નેતા સાથે ચર્ચા કરીને તારીખ અને સમય જણાવીશ પરંતુ હોબાળા વચ્ચે રાજ્યસભાના અધ્યક્ષે બપોરે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત રાખી હતી.
