સામાન્ય ચૂંટણી-2024ના ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન નોંધાયું: ચૂંટણી પંચ
Live TV
-
ભારતીય ચૂંટણી પંચે ત્રીજા તબક્કાના મતદાન વિશે માહિતી આપી હતી. ચૂંટણી પંચે તારીખ 7 અને 8 મેની પ્રેસનોટને સુધારી હતી. તેમણે માહિતી આપી હતી કે ત્રીજા તબક્કામાં 93 સંસદીય મતવિસ્તારોમાં 65.68 ટકા મતદાન નોંધાયું છે. ફેઝ-3માં 66.89 ટકા પુરુષો દ્વારા, 64.41 ટકા મહિલાઓ દ્વારા, 25.2 ટકા થર્ડ જેન્ડર દ્વારા મતદાન થયું હતું. ચૂંટણી પંચે શનિવારે આ માહિતી આપી હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બિહારના બે મતદાન મથકો અને મધ્યપ્રદેશના ચાર મતદાન મથકો પર તબક્કા-3માં પુનઃ મતદાન પણ પૂર્ણ થયું છે. સંસદીય મતવિસ્તાર (PC) અને વિધાનસભા મતવિસ્તાર (AC) મુજબનો ડેટા પણ વોટર ટર્નઆઉટ એપ પર ઉપલબ્ધ છે.
ત્રીજા તબક્કામાં આસામમાં 85.45 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, બિહારમાં 59.15 ટકા, ગુજરાતમાં 60.13 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા, યુપીમાં 57.55 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા અને મધ્યપ્રદેશમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે 13 મેના રોજ આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની આઠ, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડની 4, ઓડિશાની 4 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
