સ્પેસ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારીથી થશે દેશનો વિકાસઃ કે.શિવન
Live TV
-
કેન્દ્ર સરકારે દેશની અંતરિક્ષ સંપત્તિઓ તમામ માટે ખુલ્લી મૂકવાનો નિર્ણય કર્યો છે. હવે ખાનગી કંપનીઓ પણ અંતરિક્ષ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. આ માટે ઈન્ડિયન નેશનલ સ્પેશ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન નામના નવા સ્પેસ બોર્ડની રચના કરવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવાઈ છે.
કેન્દ્રીય કેબીનેટ દ્વારા અંતરીક્ષ ક્ષેત્રમાં સુધારા માટે લેવાયેલા નિર્ણયો વિશે ઈસરોએ જણાવ્યું હતું કે, ભારત ઉન્નત અંતરિક્ષ પ્રાદ્યોગિકી વાળા દેશોમાંથી એક છે. ઈસરોના પ્રમુખ કે. શિવને ઉમેર્યુ હતું કે, અંતરિક્ષ વિભાગ અંતર્ગત એક સ્વતંત્ર નોડેલ એજન્સીનું નિર્માણ કરવામાં આવશે, જે ખાનગી કંપનીઓને લઈને મુક્ત નિર્ણયો લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી હતી. આ સુધારાઓનો ઉદ્દેશ અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ નિર્ણય પ્રધાનમંત્રીના ભારતની કાયાપલટ કરવાના તથા દેશને આત્મનિર્ભર અને ટેકનોલોજીકલ રીતે વિકસિત બનાવવાના લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
અંતરિક્ષ ક્ષેત્રમાં અદ્યતન ક્ષમતાઓ ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે. હવે આ સુધારાઓ સાથે અંતરિક્ષ ક્ષેત્રને નવી ઊર્જા અને ગતિ પ્રાપ્ત થશે. જેથી દેશ અંતરિક્ષ ક્ષેત્રમાં વધુ હરણફાળ ભરી શકશે. ઉપરાંત ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે રોજગારીની તક ઊભી થશે અને ભારત આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેકનોલોજી પાવરહાઉસ બનશે.
નવી રચાયેલી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe ઇન-સ્પેસ) ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવા ખાનગી કંપનીઓને સરકારી કંપનીઓ જેટલી સુવિધા પ્રદાન કરશે. આ નીતિગત પ્રોત્સાહન અને અનુકૂળ નિયમનકારક વાતાવરણ દ્વારા અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત કામગીરીઓમાં ખાનગી ઉદ્યોગોને ટેકો, પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપશે.
સરકારી ક્ષેત્રનું સાહસ ‘ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ)’ અંતરિક્ષ પ્રવૃત્તિઓને ‘પુરવઠાલક્ષી મોડલ’માંથી ‘માગ સંચાલિત’ મોડલ તરફ દોરી જશે, જેથી આપણી અંતરિક્ષ ક્ષેત્રની અસ્કયામતોનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત થશે.
