PM મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકની મેજબાની કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકની મેજબાની કરશે. આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓ ભાગ લેશે. ભારત અને મધ્ય એશિયાના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રકારની પ્રથમ બેઠક હશે. ભારત-મધ્ય એશિયા સમિટ દર્શાવે છે કે, આ ક્ષેત્રના દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં મધ્ય એશિયાના દેશોની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. ત્યારથી ભારતે આ દેશો સાથે દ્વિપક્ષીય અને બહુરાષ્ટ્રીય મંચ પર વ્યાપક આદાનપ્રદાન કર્યું છે.
સમિટ દરમિયાન ભારત અને મધ્ય એશિયા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના પગલાં પર વિચાર કરવામાં આવશે. આ દેશો અને ભારત મુખ્યત્વે પરસ્પર સુરક્ષા સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
