UPમાં ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરતા 3નાં મૃત્યુ, લોકો પાયલોટે બ્લાસ્ટનો કર્યો દાવો
Live TV
-
ઉત્તર પ્રદેશના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં 3 લોકોના મોત થયા છે. રેલ્વેએ કહ્યું છે કે દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે લોકો પાયલોટે બ્લાસ્ટનો થયાનો દાવો કર્યો છે.
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ગુરુવારે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ 34 લોકો ઘાયલ થયા હતા. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોંડા નજીક ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાંથી બે ડબ્બા ACના હતા. સ્થાનિક લોકો રેલવે સ્ટાફની મદદથી પેસેન્જર્સને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ ઘાયલોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો ટ્રેનમાં સવાર અન્ય લોકોને તેમના ગંતવ્ય સ્થાન માટે રવાના કરવામાં આવ્યા છે.
આજ સાંજ સુધી ટ્રેન ફરી કાર્યરત થશે
હાલમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ટ્રેનને પાટા પરથી ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આજે સાંજ સુધીમાં આ ટ્રેકને ફરીથી કાર્યરત કરવામાં આવશે. રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ ઘાયલોની હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. સાથે જ રેલવે મંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, રેલવેએ વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને 2.5 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.
અકસ્માત પહેલા લોકો પાયલોટે ધડાકાનો અવાજ સાંભળ્યો
રેલવેના જણાવ્યા અનુસાર, અકસ્માત પહેલા લોકો પાયલટે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જો કે દુર્ઘટનાનું કારણ સંપૂર્ણ તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ લોકો પાયલટનું આ ઈનપુટ આ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. જેના કારણે તોડફોડની શક્યતા નકારી શકાતી નથી. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાયા હતા અને તેમને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.