ગુજરાતમાં ૨.૫૦ લાખ સખી મંડળોમાં ૩૫ લાખ બહેનો જોડાઇ
Live TV
-
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત-પાટણના ઉપક્રમે નારી સંમેલન મહિલાઓ ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.
નારીયુગના સાંપ્રત સમયમાં ગુજરાતમાં મહિલા ઉત્થાનના વિવિધ કાર્યક્રમો અને ઉદૃીપક સંયોજનો સાકાર થઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે પાટણ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશાળ નારી સંમેલન યોજાયું હતું. જેમાં સેંકડો મહિલાઓ ઉત્સાહભેર સંકળાઈ હતી. ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ દિપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજગુરુ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પશીબેન ઠાકોર, પ્રાંત ઓફીસર ડી.બી.ટાંક, બાળ આયોગના હંસાબેન પટેલ ઉપસ્થિત હતા. પાટણ તાલુકા અને શંખેશ્વર તાલુકાનું સંયુક્ત નારી સંમેલનના ઉદૃઘાટક અને મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે, નારી એ દુર્ગા અને આદ્યશક્તિનો અવતાર છે. ચૈત્રી નવરાત્રિમાં યોજાયેલું મહિલા સંમેલન નારી શક્તિનું પ્રતીક છે. ગુજરાતમાં ૨૦૦૧માં મહિલા અને બાળ વિભાગની સ્થાપના કરાઈ હતી. વર્ષ ૨૦૦૫માં ગુજરાત મહિલા આયોગની સ્થાપના કરાઇ હતી. મહિલાઓ સામેના અન્યાય, અત્યાચાર અને સામાજિક શોષણ જેવા પ્રશ્નોના નિવારણ માટે મહિલા આયોગ ગ્રામસ્તર સુધી જાય છે. ગુજરાતમાં ૨.૫૦ લાખ સખી મંડળોમાં ૩૫ લાખ મહિલાઓ સખી મંડળોમાં જોડાઇ છે. સખી મંડળો દ્વારા મહિલા સશક્તિકરણનું કામ કરે છે. મહિલાઓ રાષ્ટ્રનું ભાવિ અને આવતી કાલ છે, તેમ શ્રીમતી
લીલાબેન અંકોલીયાએ ઉમેર્યું હતું.આજે મહિલાઓ સ્વરોજગારીના ક્ષેત્રે, સરકારી સેવાઓમાં કામ કરે છે. ૩૩ ટકા અનામત મળતા મહિલાઓને સરકારી નોકરીઓમાં તક મળે છે. મહિલા આયોગ દ્વારા બહેનોના શિક્ષણ, રોજગારી, સુરક્ષા અને સલામતી જેવા ક્ષેત્રોમાં મહિલાઓને મોટીવેટ કરે છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની પ્રબળ સહભાગીતા અને સફળતાને યાદ કરી મહિલાઓને ભવિષ્ય માટે તૈયાર થવા હાકલ કરી હતી. બાળ આયોગના અધિકારી શ્રીમતી હંસાબેન પટેલે પ્રાસંગિક ઉદૃબોધનમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય મહિલા આયોગ વર્ષ ૨૦૦૫થી કામ કરે છે. મહિલાઓ સામેની હિંસા, અત્યાચાર, મહિલાઓના હક્કો અંગે મહિલા આયોગ ઘનિષ્ઠ કામ કરે છે. મહિલાઓના શોષણ, લગ્ન સબંધી પ્રશ્નો હલ કરે છે. ગુજરાતમાં ૨૪૮ તાલુકાકક્ષાએ અને ૨૨ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે. પ્રાસંગિક ઉદૃબોધનમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજગુરુએ જણાવ્યું કે, મહિલા સંમેલનમાં મહિલાઓ તેમના અધિકારો અને તેમને મળતી વિવિધ તકો અંગે અભિપ્રેરિત કરાય છે. વિવિધ કાયદાઓનો સમુચિત ઉપયોગ કરી મહિલાઓને લાભાન્વિત કરાય છે. રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહિલાઓને ૫૦ ટકા આરક્ષણ અપાયું છે. મહિલાઓને નોકરીમાં પણ આરક્ષણ મળેલું છે. પુરતી જાગૃતિ અને જાણકારીના અભાવે મહિલાઓ તેમના હક્કોનો લાભ લઈ શકતી નથી. આ સંજોગોમાં મહિલા સંમેલનોમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે, તેમ જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કરનાર મહિલાઓ આંગણવાડી કાર્યકરો, નારી અદાલત ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર મહિલાઓને પ્રમાણપત્ર આપી અભિવાદન કરાયું હતું. કુમારી અવનિ પ્રજાપતિને સંગીત ક્ષેત્રે મૂલ્યવાન કામ કરવા બદલ સન્માન અપાયું હતું. કાર્યક્રમમાં સર્વ હીનાબેન શાહ, પુષ્પાબેન ઠાકોર સહિત મહિલા સરપંચો, પંચાયતી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આઇ.સી.ડી.એસ.ના પોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકીએ કર્યું હતું. તેમણે નારી સંમેલનના આશયો અને હેતુઓનો ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમમાં સહાયક સી.ડી.પી.ઓ. ઉર્મિલાબેન પટેલ, કૈલાશબેન પટેલ, દેવબાળા જોષી, વિપુલભાઇ ગોઠી, સહિત આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો, સખી મંડળો અને સ્વસહાય જુથની બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષ પટેલે કર્યું હતું.