સુરતીલાલાઓના સ્વીમિંગ પૂલમાં અનોખા 'યોગા'
Live TV
-
સુરતમાં એક પુરુષોના એક સમૂહે પાણીમાં યોગ કર્યા, યોગના વિવિધ આસનો કરી લોકોને યોગ કરવા હાકલ પણ કરી.
ઉનાળો શરૂ થતાં જ ગરમીનો પ્રકોપ વધી ગયો છે, ત્યારે લોકોનો ધસારો વૉટર પાર્ક અથવા તો સ્વીમિંગ પૂલમાં વધી જતો હોય છે. પણ સુરતીલાલાઓએ પાણીમાં યોગા કરીને નવતર પ્રયોગ કર્યો છે. 25 લોકોના સમૂહ દ્વારા પાણીમાં યોગનું ખાસ આયોજન કરાયું હતું, જેમાં યોગાના વિવિધ આસન કરવામાં આવ્યા હતા. 'પાણી યોગ'ને એક્વા યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પાણીમાં યોગનું આયોજન ખાસ ટ્રેઇનરની દેખરેખમાં કરાયું હતું.
યોગ ટ્રેઇનરનું કહેવું છે કે, જમીન પર યોગથી જેટલો ફાયદો થાય છે, તેના કરતા વધુ ફાયદો પાણીમાં યોગ કરવાથી થાય છે. તેમનું એમ પણ માનવું છે કે, પાણીનું પ્રેસર હોવાથી ફેફસાંની કસરત પણ યોગ્ય રીતે થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી યોગને વૈશ્વિક કક્ષાએ એક ઓળખ મળી છે, અને યુનાઈટેડ નેશન દ્વારા વર્ષ 2014માં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક