એશીયા કપમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 9મી વખત ફાઇનલમાં છે.
Live TV
-
ભારતે બાંગ્લાદેશને એકતરફી મેચમાં 10 વિકેટથી હરાવીને ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ભારતે બાંગ્લાદેશને આઠ વિકેટે 80 રન પર અટકાવ્યુ હતુ ત્યારબાદ માત્ર 11 ઓવરમાં વિના વિકેટે 83 રન બનાવીને શાનદાર જીત મેળવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશીયા કપની ફાઇનલમાં નવમી વાર પ્રવેશ કર્યો છે રેણુકા સિંહ ઠાકુર અને રાધા યાદવની 3-3 વિકેટ બાદ વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના અણનમ 55 રનની વિસ્ફોટક અડધી સદીની મદદથી ભારતે બાંગ્લાદેશને એકતરફી મેચમાં 10 વિકેટથી હરાવીને ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ભારતે બાંગ્લાદેશને આઠ વિકેટે 80 રન પર અટકાવ્યુ હતુ ત્યારબાદ માત્ર 11 ઓવરમાં વિના વિકેટે 83 રન બનાવીને શાનદાર જીત મેળવી હતી. રવિવારે ફાઇનલમાં ભારતનો મુકાબલો આજે સાંજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલી મંધાનાએ શેફાલી વર્મા સાથે 11 ઓવરમાં 83 રનની અણનમ ભાગીદારી કરી હતી. મંધાનાએ માત્ર 39 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 55 રન ફટકાર્યા હતા, જ્યારે શેફાલીએ 28 બોલમાં અણનમ 26 રન 2 ચોગ્ગા ફટકારી બનાવ્યા હતા. ભારતે 54 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. મંધાનાએ 11મી ઓવરમાં નાહિદા અખ્તર પર સતત ત્રણ ચોગ્ગા ફટકારીને મેચનો અંત આણ્યો હતો.અગાઉ, રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, દામ્બુલા ખાતેની આ મેચમાં બાંગ્લાદેશની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેના નિર્ણયને ખોટો સાબિત કરતા ભારતીય બોલરોએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર બાંગ્લાદેશને 80 રન પર રોકી દીધું હતું.
આ મેચમાં ભારતની પ્લેયર ઓફ ધ મેચ રેણુકા સિંહ ઠાકુરે ચાર ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી તેમણે બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને એટલો હચમચાવી દીધો હતો કે તે પુનરાગમન કરી શક્યો ન હતો. રાધા યાદવે પણ શાનદાર બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને 1-1 વિકેટ મળી હતી.બાંગ્લાદેશ તરફથી ઓપનર દિલારા અખ્તર અને મુર્શિદા ખાતૂન અનુક્રમે 6 અને 4 રન બનાવીને રેણુકા સિંહના બોલ પર આઉટ થયા હતા. ઈશ્મા તન્ઝીમે પણ ત્રીજા નંબરે માત્ર 8 રન બનાવ્યા અને રેણુકા સિંહનો ત્રીજો શિકાર બની.
બાંગ્લાદેશ મહિલા ટીમ તરફથી કેપ્ટન અને વિકેટકીપર નિગાર સુલતાના એકમાત્ર સાતત્યપૂર્ણ બેટ્સમેન હતી, જેણે 51 બોલનો સામનો કર્યો હતો. જો કે, રાધા યાદવે તેની 32 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સનો અંત આણ્યો હતો. રાધા યાદવે પણ રૂમાના અહેમદને 1 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો.બાંગ્લાદેશની નીચલી ક્રમ પણ રાબેયા ખાન (1), રિતુ મોની (5), નાહિદા અખ્તર (0) સાથે વધુ યોગદાન વિના આઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નંબર 9 બેટ્સમેન શોર્ના અખ્તરે 18 બોલમાં 19 રનની ઇનિંગ રમીને બાંગ્લાદેશનો સ્કોર 80 સુધી પહોંચાડ્યો હતો.
આ મેચમાં ભારતના સ્પિનર અને ફાસ્ટ બોલર બંનેને વિકેટ મળી હતી. રેણુકા ઠાકુરે ઝડપી બોલર તરીકે અને રાધા યાદવે લેફ્ટ આર્મ સ્પિનર તરીકે શાનદાર બોલિંગ કરી હતી. આ સિવાય સ્ટાર સ્પિનર દીપ્તિ શર્માએ પણ ચાર ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી.