પેરિસ ઓલિમ્પિક: વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ચોથા સ્થાને રહેલા મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગયા
Live TV
-
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનારા મીરાબાઈ ચાનુ પેરિસમાં મેડલ જીતવાથી ચૂકી ગયા. ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં ચોથું સ્થાન મેળવીને તેની સફરનો અંત કર્યો.
વેઈટલિફ્ટિંગમાં પણ ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. મીરાબાઈ ચાનુની સતત બીજા ઓલિમ્પિક મેડલની આશા પર પાણી ફરી વળ્યું. ટોક્યો ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા બુધવારે મોડી રાત્રે અહીં દક્ષિણ પેરિસ એરેનાના વેઈટલિફ્ટિંગ હોલમાં કુલ 199 કિગ્રા સાથે ચોથા સ્થાને રહી.
પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યા બાદ, ભારતીય લિફ્ટર મીરાબાઈ ચાનુએ તેની નિરાશા વ્યક્ત કરી અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે વધુ સખત મહેનત કરવાની પ્રતિજ્ઞા લીધી. ચાનુ કુલ 199 કિગ્રા સાથે ચોથા સ્થાને રહીને મેડલથી ચુકી ગઈ. ચીનની હોઉ ઝિહુઈએ કુલ 206 કિગ્રા સાથે ગોલ્ડ મેડલ, રોમાનિયાની મિહાએલા વેલેન્ટિના કેમ્બેઈએ 205 કિગ્રા સાથે સિલ્વર મેડલ અને થાઈલેન્ડની સુરોદચના ખામ્બુઓએ 200 કિગ્રા સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા પોસ્ટ કરેલા એક વિડિયોમાં મીરાબાઈ ચાનુએ લાગણીઓ શેર કરતા કહ્યું, "મેં દેશ માટે મેડલ જીતવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ આજે હું ચૂકી ગઈ... તે રમતનો એક ભાગ છે, આપણે બધા ક્યારેક ક્યારેક જીતીએ છીએ. અને ક્યારેક આપણે હારી જઈએ છીએ...આગલી વખતે હું દેશ માટે મેડલ જીતવા માટે વધુ મહેનત કરીશ...હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને આગામી રમતમાં મારું સર્વશ્રેષ્ઠ આપીશ."
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને બધા શૂટિંગમાં આવ્યા છે.