શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 110 રને હરાવ્યું, શ્રેણી 2-0થી જીતી
Live TV
-
શ્રીલંકાએ બુધવારે ત્રીજી અને છેલ્લી વનડેમાં ભારતને 110 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. આ જીત સાથે શ્રીલંકાએ વનડે શ્રેણી 2-0થી જીતી લીધી છે. લગભગ 27 વર્ષ બાદ શ્રીલંકાએ ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. આ પહેલા વર્ષ 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીવાળી ટીમે ભારતને 3-0થી હરાવ્યું હતું.
શ્રીલંકાએ આપેલા 249 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 26.1 ઓવરમાં જ શ્રીલંકાના બોલરો સામે સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન નોંધાવ્યા હતા. રોહિતે 35 રન નોંધાવ્યા હતા. તેમના સિવાય વિરાટ કોહલીએ 20 રન અને વોશિંગ્ટન સુંદરે 30 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી ડનિશ વેલાલાગે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે જેફરી વાન્ડરસે અને મહિષ તિક્ષીનાને બે-બે વિકેટ મળી હતી. એક વિકેટ અસિથા ફર્નાન્ડોના નામે રહી હતી.
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન નોંધાવ્યા હતા. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 102 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 96 રન નોંધાવ્યા હતા, જ્યારે કુસલ મેન્ડિસે 59 રનની ઇનિંગ રમી હતી. ઓપનર પથુમ નિશંકાએ 45 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી રિયાન પરાગ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 54 રનમાં ત્રણ વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરને એક-એક સફળતા મળી હતી.