ભારતીય બેન્કોનું લાંબાગાળાનું ભવિષ્ય ડિજિટલ પ્રક્રિયાઓથી થશે સંચાલિત: નિર્મલા સીતારમન
Live TV
-
આજે મુંબઇમાં ભારતીય બેન્ક સંગઠન (IBA)ની 74મી વાર્ષિક સામાન્ય સભામાં પોતાના વ્યક્તવ્ય દરમિયાન કેન્દ્રીય મંત્રીએ બેન્કિંગ સમુદાય સમક્ષ પોતાના આ વિચારો રજૂ કર્યા હતા. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે, આપણે અર્થતંત્ર અને ઉદ્યોગોની તાજેતરની બદલાતી વાસ્તવિકતાઓને નજર સમક્ષ રાખીને બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કોને વધારે સશક્ત બનાવવાની જરૂર છે. ભારતને SBI જેવી વધુ ચાર અથવા પાંચ બેન્કોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, જો આપણે કોવિડ પછીની પરિસ્થિતિ પર નજર કરીએ તો, ભારતની બેન્કિંગ વ્યવસ્થાની રૂપરેખા ભારત માટે ખૂબ જ વિશિષ્ટ જોવા મળે છે, જ્યાં ડિજિટાઇઝેશનની અત્યંત સફળ સ્વીકૃતિ જોવા મળે છે.
નાણાં મંત્રીએ IBA ને સલાહ આપતાં જણાવ્યું હતું કે, આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દેશના દરેક જિલ્લા માટે તમામ બેન્ક શાખાઓનું ડિજિટલ સ્થાન-આધારિત મેપિંગ હાથ ધરવાની ક્વાયત હાથ ધરવાની જરૂર છે. 7.5 લાખ પંચાયતોમાં આશરે લગભગ ત્રીજા ભાગની પંચાયતો ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન ધરાવે છે, IBA આ બાબત વિચારણામાં લેવી જોઇએ અને ક્વાયત હાથ ધરીને નક્કી કરવું જોઇએ કે કયા સ્થળે બેન્કોની ભૌતિક હાજરીની જરૂર છે અને કયા સ્થળે ગ્રાહકોને ભૌતિક શાખા વગર સેવા પૂરી પાડી શકાય તેમ છે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, UPIને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ચુકવણીની દુનિયામાં આજે, ભારતીય UPI એ વાસ્તવમાં ખૂબ મોટી છાપ ઉભી કરી છે. રૂપે (RuPay) કાર્ડ હાલમાં વિદેશી કાર્ડની જેમ આકર્ષક હોવાની સાથે સાથે દુનિયાના સંખ્યાબંધ ભાગોમાં તેને સ્વીકારવામાં પણ આવે છે, જે ભારતના ભવિષ્યવાદી ડિજિટલ ચુકવણીના ઇરાદાઓનું પ્રતિક છે.
સીતારમને નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યૂશન કંપની લિમિટેડની સ્થાપના કરવા માટે એકજૂથ થવા બદલ IBAનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, NARCL અને IDRCL સાથે મળીને કામ કરવાથી NPA ને રિસ્ટ્રક્ચર કરી શકશે અને વેચી શકશે. નાણાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, NARCL બેડ બેન્ક નથી. આ એવું ફોર્મ્યુલેશન છે જેનો મૂળ ઇરાદો બેન્કોની અસ્કયામતોને સાફ કરવાનો અને ઝડપથી NPA નો નિકાલ કરવાનો છે. બેન્કો હવે બજારમાંથી તેમના નાણાં ઉભા કરી શકે છે જેથી બેન્કોનું પુનઃમુડીકરણ કરવાનું સરકાર પરનું ભારણ ઓછું થઇ જશે. આ કંઇક એવું છે કે બેન્કો આ રીતે કામ કરે તેવું અમે ઇચ્છતા હતા એટલે કે ઘણા વધુ પ્રોફેશનલ રીતે બદલાયેલી માનસિકતા સાથે. નાણાં મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પ્રોફેશનલ બનવા માટે અત્યારે તદ્દન યોગ્ય સમય છે.
નાણાં મંત્રીએ યાદ કર્યું કે, પ્રધાનમંત્રીએ આપણી માનસિકતા અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂર હોવાનું કહ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે IBA પ્રધાનમંત્રીના આ આહ્વાનને અનુસરશે. તેમણે જણાવ્યું હતું કે, "આપણે ભારતના અર્થતંત્રના ખૂબ જ નિર્ણાયક તબક્કે આવીને ઉભા છીએ, તમે તેની કરોડરજ્જુ સમાન છો, આ પ્રસંગે હું શુભેચ્છા વ્યક્ત કરું છુ કે IBAનો ઉદય થાય અને ભારતને શ્રેષ્ઠ નાણાકીય સેવાઓ પ્રદાન કરે.
નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મનિર્ભર ભારત પેકેજ સહિત વિવિધ નાણાકીય પ્રોત્સાહનના વિવિધ પેકેજોના લાભો જનતા સુધી પહોંચાડવા બદલ બેન્કો કામગીરીની પ્રશંસા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ બેન્કોએ EASE 3.0 અને 4.0 સુધારાનો અમલ કરવા માટે અને બેન્કોને આધુનિક બનાવવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. તેમણે JAM ટ્રિનિટીની ભૂમિકાને પણ રેખાંકિત કરી હતી, જે સરકાર દ્વારા આપવામાં આવતા લાભો સીધા જ લોકોને પહોંચાડવા માટેની ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફરની વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
અગાઉ, ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA)ના ચેરમેન રાજકિરણ રાયએ તમામ ઉપસ્થિત લોકોને આવકાર્ય હતા જ્યારે IBA ના ચીફ એક્ઝિક્યુટીવ સુનિલ મહેતાએ સંગઠનની 75 વર્ષની સફર અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતુ. IBA ના સેક્રેટરી અને મેનેજિંગ સમિતિ સભ્યો, મેનેજિંગ ડાયરેક્ટરો, CEO અને સંગઠનની સભ્ય બેન્કોના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
