100 કરોડના ક્લબમાં સામેલ થઈ આલિયા ભટ્ટની ‘રાઝી’
Live TV
-
આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 102.50 કરોડની કમાણી કરી છે. ‘રાઝી’એ રિલીઝના ત્રીજા અઠવાડિયે પણ બોક્સિ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો.
મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ ‘રાઝી’નો જાદૂ દર્શકો પર ચાલ્યો છે. પરિણામ સ્વરૂપે ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ છે. આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 102.50 કરોડની કમાણી કરી છે. ‘રાઝી’એ રિલીઝના ત્રીજા અઠવાડિયે પણ બોક્સિ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મે શુક્રવારે 2.25 કરોડની કમાણી કરી અને શનિવારે 89 ટકા વધારા સાથે 4.20 કરોડ રૂપિયા કમાયા. 17મા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે 4.42 કરોડની કમાણી કરી. આ રીતે ત્રીજા અઠવાડિયે ફિલ્મે કુલ 10.87 કરોડની કમાણી કરીને 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ
ફિલ્મમાં આલિયા અને વિકી કૌશલ ઉપરાંત જયદીપ અહલાવત, શિશિર શર્મા, રજિત કપૂર, સોની રાઝદાન, આરિફ જકારિયા અને અમૃતા ખાનવિલકર મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ એક ભારતીય અંડરકવર એજંટની સત્ય વાર્તા પર આધારિત છે. 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ હતી ત્યારે અંડરકવર એજંટ કઈ રીતે પાકિસ્તાનથી જરૂરી જાણકારી ભારતને પહોંચાડતી હતી ફિલ્મમાં તે દર્શાવાયું છે.
રિટાયર્ડ નેવી ઓફિસર હરિંદર સિક્કાની નોવેલ ‘કોલિંગ સહમત’ પર બેસ્ડ ફિલ્મનો જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મેજરનો રોલ નિભાવનારા વિકી કૌશલનું કહેવું છે કે, “ઈકબાલના કેરેક્ટરે પાકિસ્તાની ઓફિસરની એ સીમાને તોડી છે જેને છેલ્લા થોડા સમયથી આપણે આપણી ફિલ્મોમાં દર્શાવતા હતા. ફિલ્મમાં ઈકબાલ એક સારો નરમ દિલ પાકિસ્તાની છે.”
ફિલ્મમાં સહમતનું પાત્ર ભજવનારી આલિયા ભટ્ટનું કહેવું છે કે, “ફિલ્મ રાઝી પાકિસ્તાનની છબિ ખરાબ ચીતરવા માટે નથી. અમે એવું નથી કહેતા કે હિંદુસ્તાનની આગળ કશું જ નહીં. અમે તો એ કહીએ છીએ કે વતનથી વધારે કશું જ નથી. વતન મારું પણ હોઈ શકે છે અને તમારું પણ.”
દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. જે વ્યક્તિ ફિલ્મ જોઈને આવે છે તે ફિલ્મના વખાણ કરતાં થાકતું નથી. દર્શકોનો પ્રેમ જોઈને આલિયાએ કહ્યું કે, “ફિલ્મની રિલીઝ પહેલાં મેઘના બહુ નર્વસ હતી. પરંતુ દર્શકોએ અમને અઢળક પ્રેમ આપ્યો છે. કેટલાક લોકો ફિલ્મ જોઈને રડતાં હતા. આ જોઈને મને આનંદ થયો કે હું મારા દર્શકોને પ્રભાવિત કરી શકું છું. આ જોઈને એવું લાગે છે કે, તમે તમારું કામ વ્યવસ્થિત કર્યું છે.”