અંકલેશ્વરઃ 2.18 કરોડના ખર્ચે બનેલ બસ ડેપોનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ
Live TV
-
આજે અંકલેશ્વરના ધારાસભ્ય તેમજ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વર જીઆઈડીસીના વાલિયા ચોકડી નવા બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ બસ ડેપો વર્ષોથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર એક મહત્વનું સ્થળ બની રહ્યું છે. ઔદ્યોગિક વસાહતના પગલે હજારો કામદારો માટે આ બસ ડેપો ઉપયોગી બની રહેશે. ખાસ કરીને કોરોનાના સમયગાળામાં રેલ વ્યવહાર બંધ હતો અને હાલ પણ મર્યાદિત રેલ્વે ચાલી રહી છે. એવામાં આ ડેપોનું અને એમાં આવતી જતી આંતરરાજ્ય બસોનું મહત્વ અનેક ગણું વધી જશે.
છેલ્લા ઘણા સમયથી આ ડેપોનું રીનોવેશનનું કામકાજ ચાલી રહ્યું હતું. જેનું કામ પૂર્ણ થતા શુક્રવારના રોજ ઈશ્વરસિંહ પટેલ હસ્તે ડેપોની લોકાર્પણવિધિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, એસટી વિભાગના નિયામક કલ્પેશભાઈ સહિત જિલ્લા કલેકટર એમ.ડી.મોઢિયા અને જિલ્લા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતા માટે પણ જીઆઇડીસી બસ ડેપો એક અત્યંત મહત્વનું સ્થળ બની રહેશે. ખાસ કરીને અહીંથી પસાર થતી દરેક બસની મુસાફરોને જરૂરત રહે છે, એ જોતાં કોરોના વાયરસના સમયગાળામાં સૌથી અગત્યના સાધન તરીકે આ ડેપો અને અહીં આવતી બસો આશીર્વાદરૂપ બની રહી છે.
બસ ડેપો ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં જૂની જ્યોતિ ટોકીઝ પાસે આવેલ ફાયર બ્રિગેડના કોમ્પલેક્ષમાં એક જીમનું પણ રીનોવેશન નગરપાલિકા દ્વારા કરાયું હતું. જેમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ તરફથી રૂપિયા ૨૦ લાખના કસરતના સાધનો પણ આપવામાં આવ્યા હતા. અંદાજે ૪૫ લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલા આ કામની લોકાર્પણ વિધિ પણ ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
