અગરિયાના બાળકોને મળશે ઘરઆંગણે શિક્ષણ: મુખ્યમંત્રી
Live TV
-
સર્વશિક્ષા અભિયાન દ્વારા અંદાજીત રૂ. ૩.પ૦ લાખના ખર્ચે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકો-વાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરૂં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે ''સ્કૂલ ઓન વ્હીલ'' હરતી-ફરતી શાળાનો નાયબ મુખ્મમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. સર્વશિક્ષા અભિયાન દ્વારા અંદાજીત રૂ. ૩.પ૦ લાખના ખર્ચે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. આ સ્કૂલ ઓન વ્હીલમાં બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે. જેથી રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, સોલાર સિસ્ટમ, ટી.વી., સેટઅપ બોકસ, પંખા અને LED લાઇટ, તથા પીવાના પાણી માટેની ટેન્ક, ખુરશી, રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. આ પ્રયોગ સફળ થતા આગામી સમયમાં વધુ ૩૦ જેટલી બસોને જી.એસ.આર.ટી.સી.ના સહયોગથી ''સ્કૂલ ઓન વ્હિલ'' પ્રોજેકટ તરીકે મોડિફાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. લગભગ ૧ર૦૦ જેટલાં બાળકોને તબક્કાવાર તેનો લાભ અપાશે. જ્યારે અગરિયા વિસ્તારના બાળકો પોતાની મૂળ શાળામાં જાય ત્યારે આ બસનો ઉપયોગ બીજા સ્થળાંતર કરતાં બાળકો માટે પણ કરી શકાશે. તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 1 થી 8 ના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે.
