અદ્યતન ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સહિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદી ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન 318 રૂમની સુવિધા ધરાવતી આધુનિક ફાઇવ સ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ સહિત સાત જેટલા વિવિધ વિકાસકામોનુ નવી દિલ્હીથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. મહાત્મા મંદિરની નજીકમાં જ સાત હજાર ચારસો સ્કેવર મીટરમાં અંદાજે રૂપિયા 790 કરોડના ખર્ચે આકાર પામેલી 318 રૂમની અદ્યતન હોટલ અને અતિ આધુનિક રેલ્વે સ્ટેશન આ ત્રણેય સ્થળો નજીક-નજીક હોવાથી ગાંધીનગરમાં વૈશ્વિક કોન્ફરન્સ, ગ્લોબલ એક્ઝીબિશન, સેમિનાર્સ જેવા કાર્યક્રમો માટે આવનારા દેશ-વિદેશના લોકોને વધુ સુવિધા અને સગવડ મળતી થશે. આ સાથે પ્રધાનમંત્રી અમદાવાદ સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ નવીન આકર્ષણોનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે. રૂપિયા બસ્સો, ચોસઠ કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એકવેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરાયું છે. આ એકવેરિયમમાં શાર્ક સહિત ઘણાં પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ અડસઠ ટેન્ક છે. ખાસ 28 મીટરની અંડર વોટર, વોક- વે ટનલ તૈયાર કરવામાં આવી છે. આ એકવેટિક ગેલેરીમાં 188 પ્રજાતિઓના અગિયાર હજાર છસ્સોથી પણ વધુ માછલીઓ એક છત નીચે જોઇ શકાય છે. ગેલેરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઇંડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન્સ ઓફ ધી વર્લ્ડ અને અન્ય દરિયાઇ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5- ડી થીએટર બનાવવામા આવ્યુ છે, તેનુ પણ પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે. આ ઉપરાંત સાયન્સ સિટી પરિસરમાં રૂપિયા 127 કરોડના ખર્ચે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં ઓગન્યાએશી પ્રકારના 200 થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે. તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યકત કરતાં મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ત્રીજુ નવિન આકર્ષણ રૂપિયા 14 કરોડના ખર્ચે નિર્માણ થયેલો નેચર પાર્ક છે જે ર૦ એકરમાં પથરાયેલો છે. આ નેચર પાર્કમાં મિસ્ટ બાંબૂ ટનલ, ઓક્સિજન જન પાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને ખાસ બાળકો માટે તૈયાર કરાયેલ પ્લે એરિયા છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભુલ ભુલૈયા પણ છે. સાથે પ્રધાનમંત્રીના હસ્તે આ વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રેલવે સેવાઓના પણ ચાર જેટલા નવતર આયામોના લોકાર્પણ થવાના છે.
