અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં પણ નીકળશે રથયાત્રા
Live TV
-
રાજ્યમાં સૌથી લોકપ્રિય અમદાવાદની જગન્નાથ રથયાત્રા અષાઢી બીજના રોજ સરકાર દ્વારા નક્કી કરાયેલ નિયંત્રણો અંતર્ગત યોજવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ સિવાય રાજ્યના વિવિધ શહેરોમાં પણ સરકારની માર્ગદર્શિકા અનુસાર યોજાશે. જે અંતર્ગત અષાઢી બીજના દિવસે વડોદરામાં તેમજ દાહોદ જિલ્લામાં 4 સ્થળોએ રથયાત્રા નીકળશે. જયારે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અને નડિયાદ શહેરના સમડી ચકલા વિસ્તારમાં આજે રથયાત્રા નીકળી હતી.
દાહોદ જિલ્લામાં આવતીકાલે 4 સ્થળે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. જે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા આ વખતે ટુંકા રૂટ પર નીકળશે જે માત્ર 2 કલાકમાં જ પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે દાહોદ ઉપરાંત લીમખેડા, ઝાલોદ, અને લીમડી ખાતે જગન્નાથજીની રથયાત્રા નીકળશે. મહત્વનું છે કે, દાહોદમાં નીકળનારી રથયાત્રામાં આ વખતે માત્ર 60 ખલાસી ઉપરાંત 5 વાહનો જોડાશે. પહિંદ વિધિ બાદ શરૂ થનારી રથયાત્રા ક્યાંય વિરામ નહીં કરે.
બીજી બાજુ વડોદરામાં પણ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 40 મી રથયાત્રા નિકળશે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે રથયાત્રાનો નગરચર્યાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગતવર્ષે ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જ રથયાત્રા નિકાળવામા આવી હતી. ત્યારે આ વર્ષે રથયાત્રા દરમિયાન કર્ફ્યુ જાહેર કરાયો છે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને ભાવિકો પોતાના ઘરમાં રહીને જીવંત પ્રસારણ મારફત જ જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરે તેવી અપીલ કરવામાં આવી છે અને રથયાત્રા દરમિયાન ક્યાંય પ્રસાદનું વિતરણ પણ નહીં કરવામાં આવે.
