નડિયાદ અને પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે નીકળી ઠાકોર રણછોડજીની રથયાત્રા
Live TV
-
રાજ્યમાં સૌથી લોકપ્રિય અમદાવાદની જગન્નાથ રથયાત્રા અષાઢી બીજના રોજ સરકાર દ્વારા નક્કી કરાયેલ નિયંત્રણો અંતર્ગત યોજવા જઈ રહી છે. જયારે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અને નડિયાદ શહેરના સમડી ચકલા વિસ્તારમાં આજે રથયાત્રા નીકળી હતી.
અમદાવાદ રથયાત્રાના એક દિવસ પહેલા એટલે આજ રોજ ખેડા જીલ્લાના ડાકોર યાત્રાધામ ખાતે ઠાકોર રણછોડજીની 249 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળી હતી. જે કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન ડાકોરની જનતાએ સજ્જડ બંધ રાખી કરફ્યુનું પાલન કર્યું હતું તેમજ કરફ્યુ વચ્ચે ભગવાન નિજ મંદિરમાં પધાર્યા હતા. જ્યાં રણછોડજીની પરંપરાગત કપૂર કંકુની આરતી કરી નજર ઉતારવામાં આવી હતી. કોરોના મહામારીનાં કારણે આ વર્ષે લાખો ભક્તોએ ઘરે બેસીને ટીવીમાં જ ડાકોરની નગરચર્યાના દર્શન કર્યા હતા.
જયારે બીજી બાજુ નડિયાદ શહેરના સમડી ચકલા વિસ્તારમાં આવેલા મોટા નારાયણ દેવ મંદિરની પણ રથયાત્રા આજે નિકળી હતી. આજે સવારે ધાર્મિક વિધિ પૂણૅ કરી ભગવાનને રથમાં બિરાજમાન કરી જય રણછોડના નાદ સાથે 214 મી રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ યોજવામાં આવી હતી.
