અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની 'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા' યોજાઈ
Live TV
-
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યસ્તરની સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, 'સેવ કલ્ચર સેવ ભારત' ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરના હસ્તે પુરસ્કાર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલું જ નહીં અહીં તમામ તહેવારો હર્ષ- ઉલ્લાસથી ઊજવાય છે. આપણે ત્યાં દિવાળી કરતાં ક્યાંક 31 ડિસેમ્બર જેવા પશ્ચિમી તહેવારોનું મહત્ત્વ ન વધી જાય તેની તકેદારી સૌએ રાખવાની જરૂર છે. આવી સાંસ્કૃતિક વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ યુવાનોને એ બાબતે વધારે જાગૃત કરશે, એવી આશા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સોશિયલ મીડિયા ઉપર જે ડિજિટલ નેગેટિવિટીના રૂપમાં આતંકવાદ પીરસવામાં આવી રહ્યો છે, તેને આપણે સૌએ ભેગા મળીને દૂર કરવો પડશે. બાળકના માતા- પિતાએ પણ બાળકોને આ ડિજિટલ નેગેટિવિટીથી દૂર રાખવા વિશેષ તકેદારી રાખવી પડશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને વસંતપંચમીની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરી પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ અવસરે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ચારિત્ર્ય નિર્માણ અંગે વાત કરતા કહ્યું કે, ચારિત્ર્ય નિર્માણ એ ભારતના શિક્ષણનો મૂળ ઉદ્દેશ છે. આવનાર સમયમાં ચારિત્ર્ય નિર્માણની ખૂબ જરૂરી પડવાની છે અને એમાં આજનો આ કાર્યક્રમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા'ની પ્રથમ તબક્કાની કૉલેજ સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં કરવામાં આવેલું, જેમાં 603 કૉલેજોમાંથી 5500 કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલા વિજેતાઓ વચ્ચે ઝોનકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. 11 ઝોન અને 33 જિલ્લામાં યોજાયેલી ઝોન કક્ષાની સ્પર્ધામાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનારા સ્પર્ધકો વચ્ચે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.
'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા'ની રાજયકક્ષા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીને ₹1,00,000નો પુરસ્કાર અને 'બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે દ્વિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને ₹71,000 અને તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને ₹51,000નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ₹10,000નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
