રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની 91.76 ટકા કામગીરી પૂર્ણ : મંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ 69,497.41 કિ.મી લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. જે પૈકી 63,773 કિ.મી લંબાઈની નહેર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
એટલે કે, નર્મદા નહેર બનાવવાની 91.76 ટકા કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીની કામગીરી વર્ષ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને રાજ્યના ખૂણે-ખૂણે પાણી પહોંચાડવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, તા. 31/12/2023ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત મુખ્ય નહેરનું કામ 100 ટકા પૂર્ણ થયું છે તેમજ શાખા નહેરનું કામ 99.98 ટકા પૂર્ણ થયું છે. આ ઉપરાંત વિશાખા નહેરનું 96 ટકા, પ્રશાખા નહેરનું 93 ટકા અને પ્રપ્રશાખા નહેરનું 90 ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 5724 કિ.મી નર્મદા નહેર બનાવવાનું કામ બાકી છે, તે પૈકી 724 કિ.મી નહેરોનુ બાંધકામ ઔદ્યોગિકરણ જેવા વિવિધ કારણોસર કરવાનું રહેતુ નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ 5,000 કિ.મીમાં નહેરનું બાંધકામ બાકી છે તે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.
