અમદાવાદ જગન્નાથ મંદિરમાં ઉમંગભેર કરવામાં આવી નેત્રોત્સવ અને ધ્વજારોહણની વિધિ
Live TV
-
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144 મી રથયાત્રા 12 તારીખને સોમવારના રોજ પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળવાની છે. રથયાત્રા નીકળ્યા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવાની વિધિ, એટલે કે નેત્રોત્સવ વિધિ આજે પૂર્ણ કરવામાં આવી છે.
આ વિધિમાં યજમાનો ઉપરાંત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે ભાગ લીધો હતો. નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભગવાન આજે નિજમંદિર પરત ફરતાં વહેલી સવારથી જ મંદિરમાં ભકતો ભગવાનનાં દર્શન માટે ઊમટી પડ્યા છે.
આજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાજરી આપી હતી. આજે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાવાનો છે. આજે આશરે 1,000 જેટલા લોકોનો ભંડારો યોજવામાં આવ્યો છે.
12 મી જુલાઈએ મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ પહિંદ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.
