અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે માંડલ ખાતે ધ્વજારોહણ કર્યું
Live TV
-
દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના પ્રભારી અને રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને માંડલ ખાતે કરવામાં આવી હતી. માંડલ જિનિંગ મિલ કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઊર્જામંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જામંત્રીએ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને રાજ્ય સરકાર તરફથી ₹25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તૈયાર કરાયેલા નશામુક્તિ અંગેના માર્ગદર્શક પુસ્તકનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આઝાદીના 80મા પાવન પર્વે જિલ્લા પ્રભારી અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી તથા પોલીસ વિભાગ દ્વારા વિવિધ નિદર્શન અને કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ કર્મચારી/અધિકારી/રમતવીરો તથા સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં જિલ્લાના તાલુકાઓમાં રાહત, બચાવ સહિતની કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સૌ ઉપસ્થિતોએ સમૂહ રાષ્ટ્રગાન દ્વારા વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, અધિક કલેક્ટર ઉમંગ પટેલ, વિરમગામ પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ, જિલ્લા-તાલુકા પંચાયતના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય, અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
