80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કર્યું ધ્વજારોહણ
Live TV
-
દેશના 80મા સ્વતંત્રતા પર્વના પાવન અને ગૌરવશાળી અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે લોકભવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંવર્ધન અને પર્યાવરણ રક્ષણનો ઉમદા સંદેશ આપ્યો હતો.
સ્વતંત્રતા પર્વના આ અવસરે રાજ્યપાલએ માતૃભૂમિની આઝાદી અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા દેશના અમર શહીદો અને અગણિત સ્વતંત્રતા સેનાનીઓના અતુલનીય બલિદાન, ત્યાગ અને શૌર્યને યાદ કરીને તેમને કોટિ-કોટિ વંદન કર્યા હતા.
રાજ્યપાલએ સમગ્ર દેશવાસીઓ અને ગુજરાતના નાગરિકોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ નાગરિકો રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને સંપૂર્ણ ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને સનિષ્ઠ સેવા-ભાવથી આપણા સામાજિક અને રાષ્ટ્રીય કર્તવ્યોનું પાલન કરવાનો દ્રઢ સંકલ્પ લઈએ. આવો, આપણે સૌ એકજૂથ થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના સંકલ્પને સાકાર કરવામાં આપણું સર્વોત્કૃષ્ટ યોગદાન આપીએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દેશની શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરતા સમગ્ર દેશવાસીઓને 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
