અમદાવાદ જિલ્લાની 831 શાળાઓમાં ગુણોત્સવનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની લેખન-ગણન-વાંચનની સજ્જતા ચકાસી.
રાજયની પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ ચકાસણીના સૌથી મોટા એવા ગુણોત્સવ કાર્યક્રમના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી આર.સી.ફળદુએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નવાપુરા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની લેખન-ગણન-વાંચન સજ્જતા ચકાસી હતી. બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યની ૩૨૪૦૦ કરતા વધુ તથા અમદાવાદ જિલ્લામાં ૮૩૧ સરકારી શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બીબાંઢાળ શિક્ષણના બદલે સમયાનુકુલ પરિવર્તન મુજબ શિક્ષણ પ્રાપ્ત થાય તે સમયની માંગ છે. સાથે સાથે બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર અને ગુણની સાથે ગુણાંકન વધે તે જરૂરી છે. આ માટે જ ગુણોત્સવ કાર્યક્રમ યોજાય છે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાઓના બાળકોનું શૈક્ષણિક સ્તર સુધરે તો રાજ્ય - રાષ્ટ્રનો વિકાસ થઇ શકે. બાળકોનું પ્રાથમિક શિક્ષણ સુદ્દઢ બને તો તેમની કલ્પનાનું સમર્થ ભારતનું નિર્માણ કરી શકાય છે.
એક સમય હતો જ્યારે બાળકોને શાળામાં ઢસડીને લઇ જવા પડતા હતા. પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બાળકોને વાજતે ગાજતે શાળામાં જઇ શકે તે માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું. એ શૃંખલામાં કન્યા કેળવણી અને ગુણોત્સવ કાર્યક્રમનો પણ ઉમેરો કારાયો. તેના સફળ પરિણામ મળ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ શિક્ષકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલની પેઢીનું નિર્માણ કરવાનું કામ શિક્ષકોનું છે ત્યારે તેમનામાં ગુણ સાથે સંસ્કારનું સિંચન કરવાનું સામર્થ્ય કેળવવાની જરૂર છે. સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ ભણવામાં ચિત્ત લગાવી પોતાના સ્વપ્ન સિધ્ધ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સંસ્કાર મળે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સર્વગ્રાહી પ્રયાસો કરાય છે. સાથે સાથે ૧૦૦ ટકા સાક્ષરતા સિધ્ધ કરવા પણ અમે પ્રયત્નશીલ છીએ એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઇ, ભાજપાના પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ, સાણંદના પ્રાંત અધિકારી કુલદિપસિંહ, જિલ્લા સદસ્ય ઘનશ્યામભાઇ ઠાકર, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.