જીટીયુ ગુજરાતની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં રેંકીંગમાં ત્રીજા સ્થાને
Live TV
-
કેરીઅર 360 તરફથી જાહેર થયેલા રેંકીંગમાં જીટીયુને એએએ પ્લસ રેટીંગ.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) કેરીઅર 360 તરફથી જાહેર કરવામાં આવેલા રેંકીંગમાં ગુજરાતની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આઈઆઈટી, ગાંધીનગર અને એસવીએનઆઈટી, સુરત પછી ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. તે રેંકીંગમાં ભારતભરમાં જીટીયુને 90મો ક્રમ અને એએએ પ્લસ રેટીંગ આપવામાં આવ્યું છે.
કરીઅર 360 તરફથી બહાર પાડવામાં આવેલા રેંકીંગમાં જીટીયુને 550માંથી 178.72 સ્કોર પ્રાપ્ત થયો છે. આ સ્કોર નક્કી કરવામાં સંસ્થાના એકેડેમિક આઉટપુટ, ઈમ્પેક્ટ, બૌદ્ધિક સંપદા, ઉત્પાદકતા, લર્નિંગ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. સ્કોરના આધારે રેંકીંગ નક્કી કરવામાં આવે છે. જીટીયુનો સ્કોર 70-79 પર્સન્ટાઈલની રેન્જમાં હોવાથી એએએ પ્લસ રેટીંગ ફાળવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે જીટીયુને 90મો રેન્ક પ્રાપ્ત થયો છે. કેરીઅર 360 તરફથી વર્ષ 2013થી દર વર્ષે આશરે પાંચ હજાર કૉલેજો અને યુનિવર્સિટીઓને પસંદ કરવામાં આવે છે અને તેઓને વિગતો મોકલવાનું કહેવામાં આવે છે. તે વિગતો કેટલી પારદર્શી છે તેનો ક્યાસ કાઢીને સ્કોર નક્કી કરવામાં આવે છે. તે ઉપરાંત માળખાકીય સુવિધાઓ,અભ્યાસ બાદ રોજગારીનું પ્રમાણ, સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓના સર્વેક્ષણ જેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ.નવીન શેઠે આ રેંકીંગને આવકારતા જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે વિવિધ યુનિવર્સિટીઓ સાથેનું જોડાણ, ઈનોવેશન અને સ્ટાર્ટ અપની બાબતમાં જીટીયુએ કરેલી કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતી રહી છે. અમારૂં લક્ષ્ય જીટીયુને ફ્કત રાજ્ય સ્તરે જ નહિ બલકે રાષ્ટ્રીય સ્તરે એવી અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા બનાવવાનું છે કે જેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ અનેક પ્રકારના કૌશલ્યોથી સુસજ્જ હોય અને તેઓએ નોકરી શોધવા ફાંફા મારવા ન પડે. વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રી-રેડી હોય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોકરી-ઈચ્છુક નહિ પણ નોકરી-દાતા બને એવો અમારો ધ્યેય છે.