જામનગરમાંથી કાર્બાઇડયુક્ત કેરી ઝડપાઇ
Live TV
-
જામનગર મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓને ત્યાં દરોડા પાડી 200 કિલો કાર્બાઇડયુક્ત કેરીનો નાશ કરાયો.
જામનગર શહેરમાં મનપાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા સતત ત્રણ દિવસથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં સુભાષ માર્કેટ વિસ્તારમાં કાર્બેટથી કેરી પકવતા વેપારીઓને ત્યાં દરોડા પાડી 200 કિલોથી વધુ કાર્બાઇડયુક્ત કેરીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ત્રણ દિવસથી પાડવામાં આવતા દરોડાના કારણે વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જ્યારે ઉનાળાના સમયને લઈને ફૂડ શાખા દ્વારા આ પ્રકારની કામગીરી અવિરત પણે ચાલુ રાખવામાં આવશે, તેમ પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને કેમિકલ વગરના તેમજ સારા ફળો બજારમાં ઉપલબ્ધ થાય તથા લોકો આહારમાં ભેળસેળ વગરનાં અને શુદ્ધ ખોરાક લે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરના આદેશથી મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુભાષ માર્કેટ પાસે આવેલ મોચીસારના ઢાળિયા પાસે અનિલભાઇના ગોડાઉનમાં કાર્બાઇડયુકત કેરીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ ગોડાઉનમાંથી 200 કિલો જેટલો કેરીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને ગોડાઉન માલિકને નોટિસ પાઠવી આગામી સમયમાં આ પ્રકારની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી કામગીરી ન કરવામાં આવે તેની તાકીદ કરવામાં આવી હતી