અમદાવાદ : મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશૉપ યોજાયો
Live TV
-
રાજ્યના દિવ્યાંગ મતદારો માટે મતદાન પ્રક્રિયા સુલભ બને તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અમદાવાદના અંધજન મંડળ ખાતે એક દિવસીય વર્કશૉપ યોજાયો હતો. દિવ્યાંગ મતદારોને આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે રાજ્યભરની 80 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ વર્કશૉપમાં જોડાયા હતા.
યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજન સહિતના તમામ મતદારો માટે મતદાન સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગજન પોતાના મતાધિકારના ઉપયોગ દ્વારા લોકશાહીના આ અવસરમાં સહભાગી થાય તે માટે મતદાન મથક પર વ્હિલચેર, રેમ્પ, અલાયદા પાર્કિંગ, મતદાનક્રમમાં અગ્રતા અને મતદાન સહાયક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મતદાન માટે પોતાને મળતી સુવિધાઓ અંગે દિવ્યાંગજનોમાં જાગૃતિ કેળવાય તે માટેના ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા ભગીરથ પ્રયાસોમાં સહયોગ માટે આ વર્કશૉપમાં રાજ્યભરમાંથી આવેલા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓએ કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ વર્કશૉપમાં અધિક કલેક્ટર અને નોડલ ઑફિસર (IT) રિન્કેશ પટેલ દ્વારા દિવ્યાંગ મતદારો માટે મતદાન પ્રક્રિયા સુગમ બનાવવા ‘સક્ષમ’ મોબાઈલ ઍપના ઉપયોગ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ‘સક્ષમ’ મોબાઈલ ઍપ દ્વારા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી, વ્હિલચેરની જરૂરિયાત અંગેની નોંધણી, મતદાનના દિવસે સ્વયંસેવક મેળવવા તથા મતદાન મથક બાબતે જાણવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
40 ટકા બેન્ચમાર્ક કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોની મતદાન મથક પર જવા સુધીની મુશ્કેલી નિવારવા ચૂંટણી તંત્ર દ્વારા હોમ વોટિંગની પસંદગી આપવામાં આવશે. બુથ લેવલ ઑફિસર દ્વારા ઈચ્છુક દિવ્યાંગ મતદાર પાસેથી ફોર્મ નં.12 અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લઈ નિયત સમયે આગોતરી જાણ કરીને મતપત્ર દ્વારા પૂરતી ગોપનીયતા સાથે મતદાનની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવશે.