દેશમાં 'ગુજરાત' સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે
Live TV
-
નેશનલ સ્ટાર્ટઅપ-ડે ના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ-2022ના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે.
આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરાવેલી છે. આના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વમાં 1 લાખ 17 હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને 111 યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરીષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો.
રાજ્યમાં 9200 થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રારંભિક સ્તરે સહાય માટે રૂ. 1હજાર કરોડના ભંડોળ સાથે ‘ગુજરાત યંગ એન્ટરપ્રેન્યોર્સ વેન્ચર ફંડ’ શરૂ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત સસ્ટેઇનન્સ એલાઉન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આસિસ્ટન્સ, મોનિટરીંગ આસિસ્ટન્સ અને માર્કેટીંગ એલાઉન્સ જેવી સુવિધા સહાય પણ આપવામાં આવે છે.