રાજ્યમાં 14 થી 31 જાન્યુઆરી-2024સુધી 'પ્રાણી કલ્યાણ પખવાડીયા'ની ઉજવણી કરાશે
Live TV
-
રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2024સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું હતું કે, રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2024સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો મુખ્ય હેતુ તમામ જીવોનું કલ્યાણ, પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓ, પશુઓને બંધનમુક્ત કરવા તેમજ પ્રાણીઓના સંરક્ષણ કરવા સહિતના કાર્યો કરવાનો છે. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, તથા તાલીમ શિબિર યોજવામાં આવશે.
સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળો તેમજ ગ્રામ પંચાયતો અને નગરપંચાયતો તરફથી પ્રાણી કલ્યાણ અને પ્રાણી પ્રત્યે પ્રેમ, દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. પશુઓને ખુલ્લામાં ટાઢ, રખડતા પશુઓના આરોગ્યને પ્લાસ્ટીકની કોથળી ખાવાના કારણે નુકશાન થાય છે તો કેટલાક સંજોગોમાં પશુના મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. તે બાબતે વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો, રસોડાનો વધેલો ખોરાક અથવા એઠવાડ, પ્લાસ્ટીકની કોથળી જાહેર રસ્તા પર ન ફેંકે તે અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પણ અપાશે. શિબિરો દરમિયાન ગૌવંશ હત્યાના પ્રતિબંધ ધારો અમલમાં છે તેની જનજાગૃતિ કેળવવા માટે પ્રચાર કરાશે.
આ કાર્યક્રમમાં ‘‘ઑક્સીટોસીન’’ ઇન્જેકશનના દુરૂપયોગ બાબતે લોકજાગૃતિ લાવવા પણ પુરતા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત તા. 14 ફેબ્રુઆરી 2024 વસંત પંચમીના દિવસે જીવ જંતુ કલ્યાણ દિવસ તરીકે ઉજવવામાં આવશે, તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયુ છે.