અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. વહેલી સવારના પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે. પ્રારંભમાં મેટ્રો સેવાઓનો સમય સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6 વાગ્યાને 20 મિનિટથી શરૂ કરીને રાત્રિના 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેનમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી થલતેજ મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી માત્ર 39 મિનિટમાં થાય છે જ્યારે APMC થી મોટેરા સુધીની મુસાફરી માત્ર 32 મિનિટમાં થાય છે.
મહત્વનું છે તે ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા વધારાની ટ્રીપ સાથે મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે. મેટ્રો સ્ટેશનોને અમદાવાદની સ્થાનિક સંસ્કૃતિ, વિશેષતાઓ અને હેરિટેજ સ્મારકોની ઝાંખી દર્શાવતા આર્ટવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે. તે મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવા સમયાંતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા પણ કરતાં રહે છે. અને અધિકારીઓને સતત માર્ગદર્શન પણ પુરુ પાડે છે.