2 ઓક્ટોબરથી ગુજરાતના અભયારણ્યોને 100 ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરાશે
Live TV
-
ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી વિશ્વની જૈવવૈવિધ્યતાના 7 ટકાથી વધુ
33 જિલ્લા અને 250 તાલુકાઓમાં 'વન્ય પ્રાણી સપ્તાહ'ની વિવિધ રીતે ઉજવણી કરાશે
ગુજરાતમાં 2થી 8 ઓકટોબર દરમિયાન 'વન્ય પ્રાણી સપ્તાહ'ની ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં પ્રાણી કલ્યાણના કાર્ય કરવા પર ભાર મુક્યો હતો
ગુજરાતના અભયારણ્યોને 100 ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરાશે
સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને પ્લાસ્ટિક ફ્રી બનાવાશે
પ્રાણીઓના જતન-સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 'ભારતીય વન્યજીવ બોર્ડ'ની સ્થાપનાભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ છે. ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશ્વની જૈવવિવિધતાના 7 ટકાથી વધુ છે. આ સમૃદ્ધ જૈવવૈવિધ્યતાની જાળવણી માટે યોગ્ય શિક્ષણ અને જાગૃતિની જરૂર છે જેને પ્રોત્સાહિત કરવા ભારતભરમાં દર વર્ષે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં 'વન્ય પ્રાણી સપ્તાહ' ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'મન કી બાત'ની 105મી આવૃત્તિમાં પ્રાણી કલ્યાણ માટે કાર્ય કરવા પર ભાર મુક્યો હતો. ગુજરાતમાં પણ વન વિભાગ દ્વારા આ વર્ષે 2થી 8 ઓકટોબર દરમિયાન તમામ 33 જિલ્લા 250 તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારમાં 'વન્ય પ્રાણી સપ્તાહ'ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતભરમાં સ્વછતા અભિયાન સ્ફળતાપૂર્વક ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં આવેલા તમામ અભયારણ્ય અને રાષ્ટ્રિય ઉદ્યાનોના વિસ્તારોને 100 ટકા પ્લાસ્ટિક ફ્રી કરવા માટેનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક,વન્યજીવ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એન.શ્રીવાસ્તવે વન્ય પ્રાણી સપ્તાહ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી વધુ ખાસ બનાવવાના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ અઠવાડિયામાં નાગરિકોમાં વન્યજીવન અને પ્રાણી સૃષ્ટિ પ્રત્યે જનજાગૃતિ ફેલાય એવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક મહાનુભાવોની હાજરીમાં ચિત્ર સ્પર્ધા, શહેરોની મોટી દિવાલો પર પેઇન્ટિંગ અને રેલીઓ યોજવામાં આવશે. ઉપરાંત જિલ્લાવાર નેચર એજ્યુકેશન શિબિરનું અને જંગલ વિસ્તારમાં ટ્રેકિંગનું આયોજન કરાશે. આ શિબિરમાં રાત્રિ રોકાણની વિશેષ વ્યવસ્થા કરીને બાળકોને અને શિબિરમાં જોડાનારને વન્યજીવન-વન્યપ્રાણીઓ અંગેની માહિતી આપવામાં આવશે. વધુમાં વન્યજીવન અને વન્યપ્રાણીઓને નડતી સમસ્યાઓને નિવારવામાં માનવી કઈ રીતે સહભાગી થઈ શકે એ વિષય પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વધુમાં વધુ લોકો સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવશે.
વન્ય પ્રાણી સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીસૃષ્ટિના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ખોરાક અથવા અન્ય હેતુઓ માટે પ્રાણીઓની હત્યા અટકાવીને મોટી સંખ્યામાં પ્રાણીઓને બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના ધ્યેય સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય પણ છે. આ પૃષ્ઠભૂમિમાં, ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરી છે જે વન્યજીવનના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
વન્ય પ્રાણી સપ્તાહ-2023
આ સપ્તાહ દરમિયાન વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે જેમા તમામ વયના નાગરિકોને વન્યજીવનનું મહત્વ સમજાવવામાં આવે છે. આ ઉદેશ્યને ચરિતાર્થ કરવા વન વિભાગના અધિકારીઓ જે તે જિલ્લાની શાળા અને કોલેજોમાં લેક્ચર દ્વારા આ અઠવાડિયાની ઉજવણી કરાશે. સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇલ્ડલાઇફ સપ્તાહના કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે વન્ય જીવ સંરક્ષણ માટે કરેલા પ્રયાસો
ઉત્તરાયણ દરમિયાન દોરાઓથી ઘાયલ થયેલા પક્ષીઓના સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે. કરુણા અભિયાન-2023 દરમિયાન વન વિભાગ દ્વારા કુલ-13,008 પક્ષીઓનું સારવાર અર્થે રેસ્ક્યુ કરાયું હતું જે પૈકી કુલ-1184 પક્ષીઓના મૃત્યુ થયા હતા તેમજ કુલ-11,824 પક્ષીઓની સારવાર કરીને બચાવી લેવામાં આવ્યા હતા. આ સિવાય વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે 10મી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'વિશ્વ સિંહ દિવસ' ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ગુજરાતમાં સિંહ વિચરણ ધરાવતા કુલ 10 જિલ્લાઓના 74 તાલુકાઓની 7000થી વધુ શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં આશરે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ-વન્ય પ્રાણી પ્રેમીઓ સહભાગી થયા હતા. રાજ્યમાં પ્રથમવાર 13મી ઓગષ્ટે વિશ્વ વરુ દિવસના રોજ સક્કરબાગ ઝૂ માં ઉછેર કરેલ વરુને આંબરડી સફારી પાર્ક, દેવળીયા સફારી પાર્ક અને નડાબેટ ખાતે નવનિર્મિત વરુ સોફ્ટ રીલીઝ સેન્ટરમાં મુક્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની પુન: રચના કરાઈ છે.
