Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલની મોટી સિદ્ધિ: અન્નનળી વિના જન્મેલા બે બાળકોનું જટિલ સર્જરી દ્વારા સફળ ઓપરેશન 

Live TV

X
  • રાજ્યની જાહેર આરોગ્ય સેવાઓની સર્વોચ્ચ સંસ્થા એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઉમદા તબીબી સેવા અને માનવતાનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જન્મથી જ અન્નનળીની ગંભીર અને જટિલ ખામી ‘ઈસોફેજિયલ એટ્રેસિયા’ (Esophageal Atresia)થી પીડાતા બે માસૂમ બાળકોને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ’ (Gastric Pull-up) સર્જરી દ્વારા દોઢ અને અઢી વર્ષ બાદ જીવનની સૌથી મીઠી ક્ષણ—એટલે કે મોઢેથી ખોરાક લેવાની ખુશી ભેટમાં આપી છે.

    શું છે ‘ઈસોફેજિયલ એટ્રેસિયા’ અને આ સર્જરી?

    મેડિકલ રિપોર્ટ અનુસાર, દર 25,000 થી 40,000 નવજાત બાળકોમાંથી 1 બાળક આ પ્રકારની ગંભીર જન્મજાત ખામી સાથે જન્મે છે, જેમાં બાળકની અન્નનળી સંપૂર્ણ વિકસિત થતી નથી. પરિણામે મોઢેથી લીધેલો ખોરાક પેટ સુધી પહોંચી શકતો નથી. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીમાં બાળકની હોજરીને ખેંચીને તેમાંથી નવી અન્નનળી બનાવવામાં આવે છે.

    અઢી વર્ષના ભવ્યએ પ્રથમ વખત ચાખ્યો અન્નનો સ્વાદ

    ભાવનગરના સિહોરના રહેવાસી મુકેશભાઇ અને વર્ષાબેનના અઢી વર્ષના પુત્ર ભવ્યને જન્મ સમયે જ આ ખામી હોવાથી સિવિલમાં દાખલ કરાયો હતો. દોઢ-અઢી વર્ષ સુધી ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ વડે બહારથી ખોરાક મેળવતા ભવ્યની પીડિયાટ્રિક સર્જરી વિભાગના પ્રોફેસર ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને એનેસ્થેસિયા ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી. કોઈ જટિલતા ન જણાતાં સર્જરીના 22મા દિવસે ભવ્યએ જીવનમાં પ્રથમ વખત મોઢેથી ખોરાક લીધો હતો અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

    બિહારના વેદાંતને 60 દિવસની સઘન સારવાર બાદ પુનર્જીવન

    બિહારના નવાદાના અને રેલવેમાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા પિંટુભાઇ તથા નેહાબેનના દોઢ વર્ષના પુત્ર વેદાંત કુમારની પણ 20 જુલાઈના રોજ સફળ સર્જરી કરાઈ હતી. સર્જરીના ૨૧મા દિવસે મોઢેથી ખોરાક શરૂ કરાયા બાદ ગળાના ભાગે સામાન્ય લીકેજની સમસ્યા સર્જાતા થોડા દિવસ ટ્યુબથી ખોરાક અપાયો હતો. ત્યારબાદ સતત ૬૦ દિવસની સઘન તબીબી દેખરેખ અને નર્સિંગ સંભાળ બાદ વેદાંત પણ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યો છે.

    શૂન્ય ખર્ચે આર્થિક બોજ વગર ઉત્કૃષ્ટ સારવાર

    લાખો રૂપિયાનો ખર્ચ માગી લેતી આ અત્યંત જટિલ અને ખર્ચાળ સારવાર સામાન્ય પરિવારો માટે અશક્ય સમાન હોય છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલે આ સમગ્ર સારવાર (૬૦ દિવસનો હોસ્પિટલ સ્ટે, અત્યાધુનિક સર્જરી અને પોસ્ટ-ઓપરેટિવ કેર) સંપૂર્ણપણે શૂન્ય ખર્ચે (નિઃશુલ્ક) પૂરી પાડીને ગુજરાતની જાહેર આરોગ્ય પ્રણાલીની મજબૂતાઈ અને સેવાભાવનાના દર્શન કરાવ્યા છે.સિવિલ હોસ્પિટલની આ અદભુત સિદ્ધિએ આજે બે નિરાશ પરિવારોના જીવનમાં ખુશીઓ પાછી લાવી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
apply