અમરેલીઃ ચિંકારાનો શિકાર કરનાર સંજય કોળી ઝડપાયો, બે સાગરિતો ફરાર
Live TV
-
આ ઘટનામાં શિકારીઓએ ચિંકારા પર દેશી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. ત્રીજી ગોળીથી ચિંકારાના પ્રાણપંખેરું ઉડી ગયા હતા.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જના ભાડ ઇગોરાળા રેવન્યુ વિસ્તારમાં તારીખ છઠ્ઠી મે ના રોજ રાત્રે ચિંકારાના શિકારની ઘટના બની હતી. આ ઘટનામાં શિકારીઓએ ચિંકારા પર દેશી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. ત્રીજી ગોળીથી ચિંકારાના પ્રાણપંખેરું ઉડી ગયા હતા.
જો કે વનવિભાગ પોલીસે એક આરોપી સંજયની ધરપકડ કરી લીધી છે. આરોપી સંજય સાથે અન્ય બે ઈસમો પણ હતા, જેની તપાસ પોલીસે હાથ ધરી છે. આ ત્રણેય શિકારીઓ સાવરકુંડલાના મિતિયાળા ગામના હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના ભાડ ઈંગોરલાના રેવન્યુ વિસ્તારમાં છઠ્ઠી તારીખે રાત્રે 1 વાગ્યાની આસપાસ ભાડના એક ખેતરમાં શિકારીઓ આંટાફેરા કરતા હોવાની વનવિભાગને બાતમી મળી હતી.
બાતમીના આધારે વનવિભાગ દ્વારા આ આરોપીને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શિકારીઓને ઝડપી પાડવા માટે વનવિભાગના 40 થી 50 કર્મચારીઓ ઑપરેશનમાં જોડાયા હતા. આ સમગ્ર ઑપરેશનમાં વનવિભાગના કર્મચારીઓ અને શિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
શિકારીઓએ ચિંકારાના શિકાર માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બાદમાં નાસી છૂટ્યા હતા. શિકારીઓના ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં સાવરકુંડલાના રેન્જના આર.એફ.ઓ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.