અલવિદા INS વિરાટ, 30 વર્ષની સેવા બાદ યુદ્ધ બોટ તેની અંતિમ સફરે
Live TV
-
વિશ્વના સૌથી વિશાળશીપ બ્રેકિંગ પોર્ટ તરીકે પ્રખ્યાત અલંગ ખાતે આઈ.એન.એસ વિરાટની લાંબી સફર આજે સફળરીતે પૂર્ણ થઈ છે. ૩૦ વર્ષ સુધી ભારતીય નૌ-સેનાની આન, બાન અને શાન રહેલા એવા આઈ.એન.એસ વિરાટને એક ખાસ કાર્યક્રમ દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આઈ.એન.એસ વિરાટની અંતિમ સફર ગુજરાતના અલંગશીપ બ્રેકિંગ યાર્ડ ખાતે આજે પૂરી થઈ..દેશ સેવામાં 30 વર્ષ સુધી અવિરત રહેલા વિરાટને આખરી સલામી અને સન્માન આપવા માટે અલંગ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી દવે, બાવકુ ઉઘાડ, નેવીના અધિકારીઓ, શિપના માલિક મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
આઇ.એન.એસ વિરાટ ના અંતિમ પડાવ અંગે અલંગ ખાતે યોજાઇ રહેલા કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંજવીયાએ જણાવ્યું હતું કે આજે આઇ.એન.એસ વિરાટની આખરી સફર છે. તેણે લાંબો સમય દેશની સેવા કરી છે. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચીત છે તેજ રીતે લાંબી સેવા બાદ 2017માં નિવૃત થનાર આઇ.એન.એસ વિરાટ આખરી મંઝીલે પહોચ્યું છે.
જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ એટલે કે, સાગર પર જેનું આધિપત્ય છે તે વધુ શક્તિશાળી છે. તેવું સૂત્ર ધરાવતા અને ભારતીય નૌકાદળમાં ત્રણ દાયકા સુધી સેવા આપી દેશની સુરક્ષા કરનાર સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર ‘ઈન્ડિયન નેવલ શીપ એટલે કે આઈ.એન.એસ. વિરાટનું અલંગ શીપ રિસાઈક્લીંગ યાર્ડમાં વિસર્જન થશે.
૧૯૫૯માં બ્રિટિશ નેવીમાં કમિશન્ડ થયું ત્યારે તેનું નામ એચ. એમ. એસ. હર્મસ હતું. બ્રિટિશ નેવીમાં ૨૬ વર્ષ બજાવ્યા બાદ ઈ.સ. ૧૯૮૬માં ભારતીય નૌ-સેનામાં તેને શામેલ કરવામાં આવ્યું હતું. અને તેનું નામ બદલીને આઈ.એન.એસ. વિરાટ કરાયું હતું. ૭૫૩ ફૂટ લંબાઈ, ૧૬૦ ફૂટ પહોળાઈ અને ૧૮હજાર ટન વજન ધરાવતા આઈ.એન.એસ. વિરાટને ૧૨ મે, ૧૯૮૭ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ કરાયું હતું.
૩૦ વર્ષની સેવા દરમિયાન આઈ.એન.એસ. વિરાટે ઓપરેશન પરાક્રમ, ઓપરેશન વિજયમાં અહમ ભૂમિકા અદા કરી હતી. માર્ચ, ૨૦૧૭ના રોજ તેને ડી-કમિશન્ડ કરાયું હતું. સમુદ્રના શહેનશાહ ગણાતા આ એરક્રાફ્ટ કેરિયરે દરિયામાં ૨૨૫૨ દિવસની કરેલી સફરનો રેકોર્ડ માપવામાં આવે તો તે પૃથ્વીની ૨૭ પરિક્રમા જેટલો થાય છે.
ભારતીય નૌકાદળ દ્વારા આઈ.એન.એસ વિરાટ યુદ્વ જહાજની ૩૦ વર્ષ સુધી સેવા લેવામાં આવી હતી. આ દરમિયાન શ્રીલંકા, સંસદ પરનો હુમલો, કારગીલ યુદ્વ સહિતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સેવા નિવૃત્ત થયા બાદ શ્રી રામ ગ્રુપ દ્વારા હરાજીમાં ૩8.54 કરોડમાં ખરીદી લેવાયું હતું. ત્યારે આન, બાન, શાન સાથે દેશના સંરક્ષણ માટે આપેલી સેવાઓ બદલ આઈ.એન.એસ વિરાટને અલંગ ખાતે આખરી સલામી આપવામાં આવી હતી.
