આઈ.ટી.આઈ.કુબેરનગર ખાતે સમર સ્કિલ વર્કશોપ બન્યો આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
તાલીમાર્થીઓ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ, ઈનોવેટીવ મોડેલ, ચાર્ટનું પ્રદર્શન કરાયું
વિદ્યાર્થીઓનો સ્કિલ ટ્રેનીંગ પ્રત્યે ઉત્સાહ પેદા થાય તે હેતુંથી રાજ્યની તમામ સરકારી આઇ.ટી.આઇ. ખાતે ‘સમર સ્કિલ વર્કશોપ’ યોજવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું.
જે અંતર્ગત આઇ.ટી.આઇ. કુબેરનગર ખાતે તા. ૧૧/૦૬/૨૦૨૪ થી શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે સમર સ્કિલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં શાળા - કોલેજના વિદ્યાર્થીઓ માટે સંસ્થાના ઔદ્યોગિક વાતાવરણ, ટ્રેડની જાણકારી, આઇ.ટી.આઇ. કર્યા પછી મળતી રોજગારી-સ્વ રોજગારી અને મશીનરીની માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ મેથેમેટિકલ લેબોરેટરી, તાલીમાર્થીઓના કૌશલ્યને પ્રદર્શિત કરતા અને તેમના દ્વારા બનાવેલ આધુનિક ટેકનોલોજીને અનુરૂપ પ્રોજેક્ટ, ઈનોવેટીવ મોડેલ, ચાર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા.
સમર સ્કિલ વર્કશોપમાં વિદ્યાર્થીઓ હાઉસ હોલ્ડ એક્ટીવીટીમાં ભાગ લઇ સ્કિલ ટ્રેનિંગ પ્રત્યે અભિરુચી પેદા કરી રહ્યા છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિના મુલ્યે ૯૦૦ જેટલી કિટ પણ આપવામાં આવી છે. હાલમાં આઇ.ટી.આઇ.અભ્યાસ માટે જે એડમિશન ચાલી રહ્યા છે જેમાં ૪૧ જેટલા ટ્રેડમાં કુલ ૨૯૦૦ જેટલી બેઠકો ભરવાની થાય છે. આઇ.ટી.આઇ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ ઈચ્છુક તમામ તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ અને એપ્રેન્ટીસશીપની ઓફર કરવામાં આવે છે. ન્યુ એજ્યુકેશનલ પોલિસી ૨૦૨૦ અંતર્ગત આઈટીઆઈનો બે વર્ષનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેને ૧૨ ધોરણ પાસ સમકક્ષ ગણવામાં આવે છે.
આઈટીઆઈ કર્યા બાદ સીધા ડિપ્લોમા, ડિગ્રી કે ગ્રેજ્યુએશન કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. હાલ આઈ.ટી.આઈ ખાતે પ્રિ-પ્લેસમેન્ટ ડ્રાઇવ હેઠળ ૮૦ કંપની દ્વારા ૩૭૫ તાલીમાર્થીઓને નોકરીમાં રુપિયા ૧૫ હજારથી ૨૦ હજારના પગાર સાથે ઓફર આપી છે. ક્વેસકોપ કંપની દ્વારા ટાટા મોટર્સમાં ૧૩૭ તાલીમાર્થીઓને રુપિયા ૧૪૫૨૦/- ઉપરાંત બીજા ભથ્થાઓના પગારની નોકરી આપવામાં આવી છે.
