આગામી ડિસેમ્બર મહિના સુધીમાં 6,000 ગામડાઓ 100% નળ જોડાણ ધરાવતા થશે: મુખ્યમંત્રી
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 2જી ઑક્ટોબર સુધીમાં રાજ્યના પાંચ જિલ્લાઓના ગામોના 100 ટકા ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની નેમ દર્શાવી છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય જલ શકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, ગુજરાતના ગાંધીનગર, બોટાદ, વડોદરા, પોરબંદર અને મહેસાણાના ગામોને તેમાં આવરી લેવાયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'જલ જીવન મિશન' નો લક્ષ્યાંક 2024 સુધીમાં પૂર્ણ કરવાનો છે. પરંતુ ગુજરાતે જે આગોતરું આયોજન કર્યું છે. તેના પરિણામે 2 વર્ષ વહેલો એટલે કે, 2022માં જ આ લક્ષ્યાંક પૂર્ણ કરી દેવાશે. વધુમાં તેમણે જણાવ્યુ કે, 2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનું પણ આયોજન છે. રાજ્યના 18,191 ગામોમાંથી 17,899 ગામોમાં હાલ પાઇપલાઇન દ્વારા પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા અમલી છે. હવે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં 6,000 ગામડાઓ 100% નળ જોડાણ ધરાવતા થઈ જશે.
