આગામી દિવસોમાં હિટ વેવની સંભાવના હોઈ આરોગ્ય શાખા દ્વારા જરૂરી તકેદારી રાખવા અનુરોધ
Live TV
-
શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નિકળવા, વારંવાર શક્ય હોય તેટલું વધારે પાણી પીવા તથા લૂ લાગે ત્યારે કરવાના થતા ઉપચાર અંગે માર્ગદર્શન
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં હિટ વેવ શરૂ થવાની પણ પૂરી શક્યતાઓ છે. જેથી પાટણ જિલ્લાના તમામ નાગરીકોને હિટવેવ દરમ્યાન તકેદારી રાખવા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.
વધુ પડતી ગરમી શરીરને નુકશાનકર્તા હોઈ જીવન માટે ખતરો ઉભો થવા સંભવ છે માટે ગરમીના દિવસોમાં હિટ વેવથી બચવા શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નિકળવુ, ઉઘાડા શરીરે ફરવું નહીં, ઉપવાસ કરવા નહીં તેમજ સુતરાઉ ખુલ્લા કપડા પહેરવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે સીધા સૂર્યપ્રકાશથી બચવું, વારંવાર શક્ય તેટલુ વધારે પાણી પીવું, માથુ અને ચહેરો કપડા, ટોપી કે છત્રીથી ઢાંકવો તથા બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ન ખાવા તથા બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવા પણ જણાવવામાં આવ્યું છે.
તાવ આવવો, ગરમ અને સુકી ત્વચા, ધબકારા વધી જવા, ઝાડા-ઉલ્ટી થવા, માથાનો દુખાવો તથા ચક્કર આવવા એ લૂ લાગવાના લક્ષણો છે. લુ લાગવાની સ્થિતિમાં લીંબુ શરબત, મોળી છાશ, નાળીયેરનું પાણી, ખાંડ-પાણી અને મીઠાનું દ્રાવણ કે ઓ.આર.એસ.નું દ્રાવણ પુષ્કળ પ્રમાણમાં લેવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલીક તબીબી સહાય માટે ૧૦૮ નંબર પર અથવા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.
