આજથી ધોરણ 12ના વર્ગો અને કોલેજો શરુ: સરકારે ઓફલાઈન શિક્ષણ અંગે માર્ગદર્શિકા બહાર પાડી
Live TV
-
વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે જેમાં શિક્ષણ ઓનલાઇન જ ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાના કેસ ઘટતા શિક્ષણમંત્રી દ્વારા આજે 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
કોરોનાના કેસ ઘટતાં સરકાર ઓનલાઇન ચાલતું શિક્ષણ ધીરે ધીરે ઓફલાઈન કરવા વિચારણા કરી રહી છે. આજે શરુ થયેલા ધોરણ 12ના વર્ગો અને કોલેજના તમામ વર્ષના વર્ગોમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ મેળવશે. સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ઓફલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. વિદ્યાર્થીના વાલી વિદ્યાર્થીને શાળામાં મોકલવા માટે સંમત છે તેવો વાલીની સંમતીનો પત્ર ફરજીયાત શાળામાં જમા કરાવવાનો રહેશે. આ સાથે ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ શાળાઓએ ચાલુ રાખવાનું રહેશે. ઉપરાંત વર્ગખંડમાં 50 ટકા હાજરીની મર્યાદામાં એકાંતર દિવસ મુજબ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના રહેશે. વધુમાં, યોગ્ય સામાજિક અંતર, ફરજીયાત માસ્ક, વર્ગખંડમાં નિયમિત સેનેટાઈઝ કરવું, હેન્ડવોશ વગેરે નિયમોનું પાલન કરવાનું રહેશે.
