આજે ભારતીય સ્વતંત્રતાના સંગ્રામદૂત મંગલ પાંડેની 194મી જન્મ જયંતિ, જાણો તેમના વિશે
Live TV
-
મંગલ પાંડે ઈ.સ.૧૮૫૭ના પહેલા ભારતીય સ્વતંત્રતાના સંગ્રામદૂત હતા. ભારતે મેળવેલી આઝાદીનું શ્રેય એક વ્યક્તિને ન આપી શકાય, પરંતુ આઝાદી મેળવવા માટેની લડતની શરૂઆત કરનાર ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીમાં મંગલ પાંડેનું નામ આજે પણ ગર્વથી લેવામાંઆવે છે. મંગલ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના બળિયા જિલ્લાના નાગવા ગામ ખાતે તારીખ ૧૯ જુલાઈ, ૧૮૨૭ના રોજ થયો હતો. બાવીસ વર્ષની ઉંમરે મંગલ પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મી સાથે જોડાયા હતા. ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત મંગલ પાંડેથી થઈ. તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ દબાયેલું હતું. મંગલ પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મી સાથે જોડાયેલા હતા. ત્યારે કંપનીએ ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી કારતૂસ ઉપયોગમાં લેવાની શરૂઆત કરી. મંગલ પાંડે એક જાણીતા અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના પુત્ર હતા. તેમના માટે ગાય પૂજનીય માતા સમાન હતી. મંગલ પાંડેએ તે આદેશ માનવાનો સાફ ઇન્કાર કરી દીધો. ૨૧ માર્ચ,૧૮૫૭ના રોજ મંગલ પાંડેની જડતી માટે મેજર હ્યુસન આવ્યા. જેના પર મંગલ પાંડેએ આક્રમણ કરી દીધું. આ આક્રમણ પહેલાં મંગલ પાંડેએ તેમના સાથીઓને તેમને સહકાર આપવા માટે કહ્યું હતું, પણ કોર્ટ માર્શલની બીકને કારણે તેમના સાથીઓએ તેમને મદદ કરી ન હતી. મંગલ પાંડેએ તેમની જ રાઇફલથી મેજર હ્યુસનને મોતને ઘાટ ઉતારી દીધા. મંગલ પાંડેના આ વિદ્રોહને કારણે અંગ્રેજ ઓફિસરોએ તેમને પકડી લીધા. તેમના પર કોર્ટ માર્શલ દ્વારા કેશ ચલાવવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૂપ તેમને ૬ એપ્રિલ, ૧૮૫૭ના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ મંગલ પાંડેની ચળવળને પરિણામે લોકોમાં જુવાળ ફાટી નીકળ્યો હતો. બ્રિટિશ સરકાર કૂટનીતિ વાપરીને મંગલ પાંડેને જે દિવસે ફાંસી આપવાની હતી, તેના દસ દિવસ પહેલાં એટલે કે ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ તેમને ફાંસીએ લટકાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
