આજે વિશ્વ નાળિયેર દિવસ, રાજયમાં નાળીયેરના વાવેતર વિસ્તારમાં છેલ્લા દાયકામાં 4 હજાર 552 હેકટરનો વધારો થયો
Live TV
-
આજે બીજી સપ્ટેબરે વિશ્વ નાળીયેર દિવસ છે. રાજયમાં નાળીયેરના વાવેતર વિસ્તારમાં છેલ્લા દાયકામાં 4 હજાર 552 હેકટરનો વધારો થયો છે. વર્ષ 2012-13માં રાજયમાં નાળીયેરના વાવેતર વિસ્તાર 21 હજાર 120 હેકટર હતો, જે વધીને વર્ષ 2022-23માં 25 હજાર 672 હેકટર થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નાળીયેર વિકાસ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ માટે 4 કરોડ 3 લાખ રૂપિયાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે નાળીયેરની ખેતી અને સંલગ્ન ક્ષેત્રના વિકાસ માટે 2022માં નાળીયેર વિકાસ બોર્ડની રચના કરી છે. જેની પ્રાદેશિક કચેરી જૂનાગઢ ખાતે કાર્યરત છે. રાજ્યના બાગાયત નિયામક પી.એમ.વઘાસિયાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી 33 ટકા નાળિયેર દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં નિકાસ થાય છે.
વર્ષો પહેલા એશિયન પેસિફિક કોકોનટ કોમ્યુનિટી (APCC) ની રચના કરવામાં આવી હતી. તેની યાદમાં 2 સપ્ટેમ્બરે વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2009માં પ્રથમ વાર નાળિયેર દિવસ ઉજવાયો હતો. એશિયન પેસિફિક કોકોનટ કોમ્યુનિટી સંસ્થાનનું મુખ્યાલય ઇન્ડોનેશિયામાં આવેલું છે.
ભારત સહિત મોટા ભાગના દેશો એપીસીસીના સભ્યો છે. આથી ભારતમાં પણ કોકોનટ ડે ની ઉજવણી થાય છે. ભારતમાં દક્ષિણ ભારતના કાંઠે નાળિયરની ખેતી પુષ્કળ થાય છે. આજકાલ કરતા છેલ્લા 14 વર્ષથી વિશ્વ નાળિયેર ડે ઉજવાય છે તેનો હેતું નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવાનો તથા રોજગાર અને ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં નાળિયેરનું મહત્વ સમજાવવાનો છે.