કચ્છના પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીના સભ્યોની રાજ્યપાલ સાથે ગોષ્ઠિ
Live TV
-
કચ્છના મુન્દ્રા-માંડવી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગોષ્ઠિ કરવા રાજભવન પહોંચ્યા હતા. શ્રી રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીના ૨૨૫ જેટલા સભ્યો પૈકીના આ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો કહ્યા હતા. રાજ્યપાલે દરેક ખેડૂતને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી જ પ્રગતિનો સાચો માર્ગ છે, ખેડૂતો પૂર્ણ વિશ્વાસથી પ્રાકૃતિક ખેતી કરે.
મુન્દ્રા-માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના નેતૃત્વમાં રાજભવન પધારેલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક પોતાના અનુભવો કહ્યા, એટલું જ નહીં તેઓ પોતાની સાથે પોતાના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો પણ હોંશભેર લાવ્યા હતા. ફળ, શાકભાજી અને અનાજની ગુણવત્તા રાજ્યપાલ સમક્ષ રજૂ કરતા ખેડૂતોનો આનંદ છલકાતો હતો. આ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ પણ ખેડૂતો સાથે રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતીથી કમલમ્ ફ્રુટનો પાક લેતા મહિલા ખેડૂત ગીતાબેન જેઠવાએ કહ્યું કે, તેઓ વર્ષે રૂપિયા અઢીથી ત્રણ લાખના કમલમ્ ફ્રુટનું ઉત્પાદન કરીને ભુજ અને રાજકોટના બજારમાં વેચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને ઘનજીવામૃત બનાવવાની યોગ્ય પદ્ધતિ સમજાવી હતી અને વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરીને વાવેતર કરવાની, ધનજીવામૃત બનાવવાની, આચ્છાદન કરવાની, એક સાથે અનેક પાક લેવાની પદ્ધતિઓ વિગતવાર સમજાવી હતી. રાજ્યપાલે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવા સૌ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.