Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
આનંદીબેન પટેલ - કર્મયાત્રી પુસ્તકનું વિમોચન | DD News Skip to main content
Settings Settings for Dark

આનંદીબેન પટેલ - કર્મયાત્રી પુસ્તકનું વિમોચન

Live TV

X
  • આનંદીબેનના જીવન-કવનને દર્શાવતું પુસ્તક આરોહણની યાત્રા સમાન છે. પુસ્તકમાં વર્ણવેલા પ્રસંગો સાર્વજનિક જીવનમાં ઉતારવા જેવા છે.

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ વિશે આલેખિત પુસ્તક ‘આનંદીબેન પટેલ - કર્મયાત્રી’ નામના પુસ્તકનું વિમોચન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી  વિજયભાઇ
    રૂપાણી, જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝા તથા અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

    રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું કે, ખેડૂતની દીકરીથી લઇને મધ્યપ્રદેશના રાજ્યપાલ સુધીની આનંદીબેન પટેલની સફર એ આરોહણની યાત્રા સમાન છે. તેમના જીવન - કવનને દર્શાવતું આ પુસ્તક પ્રેરણારૂપ બની રહેશે તેવો વિશ્વાસ
    તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલએ કહ્યું કે, પુસ્તકમાં આનંદીબેનના જીવનની કર્મઠતા, અડગ કૃતનિશ્ચયતાની ઝાંખી થાય છે. જે તેમના જીવનને દર્શાવે છે તેથી આ પુસ્તકનું નામ કર્મયાત્રી સર્વથા ઉચિત છે. પુસ્તકમાં વર્ણવેલા પ્રસંગો જીવનમાં ઉતારવા જેવા અને સાર્વજિનક જીવનમાં અમલમાં મૂકવા જેવા છે. મહિલાઓ માટે આ પુસ્તક ખાસ પથદર્શક બની રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, શ્રીમતી આનંદીબેને સત્તામાં હોય કે ન હોય છતાં ગ્લેમરથી અંજાયા સિવાય પ્રજા સંવેદનાને ઝીલીને કામ કર્યું છે. તેમણે કહ્યું કે, શ્રીમતી આનંદીબેને કરેલા મહિલાઓ માટેના નિર્ણયો તથા યોજનાઓથી કરોડો ગરીબ અને વંચિત લોકોને લાભ થયો છે. પરિવારના પાલન-પોષણ સાથે રાજકીય કાર્યકર્તા તરીકે સફર શરૂ કરી, નિષ્ઠા અને રાષ્ટ્રભક્તિના સથવારે રાજ્યપાલના પદ સુધી પહોંચ્યા છે તે નવી પેઢી માટે માર્ગદર્શકરૂપ બની રહેશે.

    મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, કોઇપણ માર્ગમાં અનેક વિટંબણાઓ અને પડકારો આવતા હોય છે છતાં આનંદીબેને આ બધાને વળોટી નવી પેઢી માટે એક આદર્શની સ્થાપના કરી છે તેવું તેમનું વ્યક્તિત્વ છે જે પુસ્તકમાં આબેહૂબ ઝીલાયું છે. મુખ્ય મંત્રીએ કહ્યું કે, આનંદીબેને કોઇપણ સમયે નીડરતાથી કાર્ય કર્યું છે અને તેમની આવી અડગતાને કારણે લોકોને તેઓમાં પૂરો વિશ્વાસ આવતો હતો જે તેમની સફળતાની નિશાની છે.

    ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહે જણાવ્યું કે, આનંદીબેને કટુ આલોચકોએ પણ સ્વીકારવું પડે તેવું કાર્ય સ્વ-પ્રસિધ્ધીથી દૂર રહીને કર્યું છે. શિક્ષક, વિદ્યાર્થી કે સમાજ સુધારકના ત્રણેય તબક્કાઓમાં તેમણે સમાજની રૂઢીઓ અને
    સામાજિક બદીઓ સામે અવાજ ઉઠાવી નિડરતાથી કાર્ય કર્યું છે. કડકાઇ હોવી અને છતાં કટુતા ઉભી ન થવા દેવી અને શિસ્તબધ્ધતાથી આગળ વધવાનો સ્થિતપ્રજ્ઞતાનો ગુણ આનંદીબેનના જીવનમાંથી પડઘાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


     

    અમીતભાઇએ કહ્યું કે, ટોડરમલ અને અંગ્રેજો પછી મહેસૂલના કાયદાઓમાં અનેક સુધારાઓ તેમણે તેમના મહેસૂલ મંત્રી તરીકેના કાર્યકાળમાં કર્યા હતા તેની વિશદ વિગતો આપી હતી.

    મધ્યપ્રદેશના રાજ્યપાલ અને જેમના પર આ પુસ્તક લખાયું છે તેવા શ્રીમતી આનંદીબેન પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, માતા-પિતાના સહકાર અને મોટી બહેનની હુંફ દ્વારા જીવનના પાઠ અને શાળા- કોલેજમાં શિક્ષકો - અધ્યાપકોના
    શૈક્ષણિક સહકારને કારણે રાજ્યપાલશ્રી સુધીના હોદ્દા સુધી પહોંચવાનો આનંદ છે.

    સમાજની સ્થાપિત રૂઢીઓ દૂર કરવા માટે પોતે પોતાના કતૃત્વથી પોતાની જાતને સાબિત કરવી પડે છે અને તો જ સમાજ તેનો સ્વીકાર કરી આચરણમાં મૂકતો હોય છે. તેના અનેક વ્યક્તિગત જીવનના ઉદાહરણો આપી કેવી વિકટ અને વિષમ
    પરિસ્થિતિઓમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું તેની અજાણી વિગતોની છણાવટ કરી હતી. મહિલા અને બાળ કલ્યાણ પ્રત્યે પોતે આજે પણ સંવેદનશીલ છે અને જે દિવસે મહિલા શિક્ષિત હશે તે દિવસે મહિલાઓને લગતાં અનેક પ્રશ્નો આપોઆપ ઉકેલાઇ જશે તેવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી.

    આ અવસરે જાણીતા કથાકાર પૂજય રમેશભાઇ ઓઝાએ આશીર્વચન પાઠવ્યા હતા. જાણીતા કટારલેખક  જય વસાવડાએ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. પુસ્તકના પ્રકાશક ઉલ્હાસભાઇ લાટકરે પુસ્તક પ્રકાશનની ભૂમિકા આપી હતી.

    આ પુસ્તક વિમોચન પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મહેસૂલ મંત્રી  કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિહ જાડેજા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ  પરિમલભાઇ નથવાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મેયર ગૌતમભાઇ શાહ, અમદાવાદના ધારાસભ્યઓ, વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply