આરોગ્ય મંત્રીના હસ્તે જામનગરમાં વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું
Live TV
-
જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રીનું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંત્રીએ પ્રતિમાનું અનાવરણ કરીને ચેતક પર અસવાર શ્રી મહારાણા પ્રતાપને નમન કર્યા હતા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટર માંથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ક્ષત્રિય પરંપરા મુજબનો તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.મંત્રી દ્વારા ઉદઘાટિત આ પ્રતિમા 7.4 ફૂટ ઊંચી છે તેમજ 110 કિલો વજન ધરાવે છે. મેવાડના મહારાણા ઉદયસિંહ બીજા તેમજ મહારાણી શ્રી જયવંતાબાઈના પુત્ર અને મુગલોને પરાજિત કરનારા સિસોદિયા રાજવંશના મહાન યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગરમાં ગૌરવ પથ પર કોર્ટ બિલ્ડિંગ સામેના સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ સર્કલને મહાનગરપાલિકા દ્વારા 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી શ્રી મહારાણા પ્રતાપ સર્કલ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે શહેરના મુખ્ય માર્ગોમાંના એક એવા ગૌરવ પથની શોભામા અભિવૃદ્ધિ કરશે. ઉલ્લેખનિય છે કે, ઉદઘાટન પ્રસંગે આ પ્રતિમા રાત્રે વિશેષ લાઈટિંગથી ઝળહળી ઉઠશે.
આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, કલેકટર બી. એ. શાહ,જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડીડીઓ વિકાસ ભારદ્વાજ, અગ્રણી વિમલભાઈ કગથરા, કુસુમબેન પરમાર, પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા તથા બહોળી સંખ્યામા રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.