Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ડેન્ગ્યુગ્રસ્ત જવાનોના ખબર-અંતર પૂછી સારવારની કરી સમીક્ષા

Live TV

X
  • કેવડિયા ખાતે યોજાનાર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પરેડ કાર્યક્રમમાં ભાગ લેવા વિવિધ રાજ્યોમાંથી ગુજરાત આવેલા સુરક્ષા દળોના જવાનો પૈકી ડેન્ગ્યુ અને તાવની અસ્વસ્થતા ધરાવતા જવાનોની સારવાર અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગ‌ઈકાલે મોડી રાત્રે અચાનક ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દાખલ જવાનોના ખબર-અંતર પૂછી તેમનું મનોબળ વધાર્યું હતું તેમજ તબીબો સાથે બેઠક યોજી ઉત્તમ સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

    આરોગ્ય મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ઓરિસ્સા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી આવેલા BSF, CRPF તથા ITBPના આશરે 87 જવાનોને તાવ અને અસ્વસ્થતાની ફરિયાદ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવારથી જવાનોની તબિયતમાં ઝડપી સુધારો થયો છે, અને 10 દિવસમાં 50 જવાનો પૂર્ણપણે સાજા થઈને રજા પામ્યા છે. હાલ ૩૭ જવાનો સારવાર હેઠળ છે, જે તમામની સ્થિતિ સ્થિર અને સુધારા પર છે.

    મંત્રીશ્રીએ ડૉ. મીતા પરીખ અને તબીબોની ટીમને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશની રક્ષા કરતા જવાનોની આ મુશ્કેલ સમયમાં સંભાળ રાખવી આપણી નૈતિક જવાબદારી છે. તેમણે જવાનો માટે પૂરતું પાણી, ન્યુટ્રિશનયુક્ત નાસ્તો, તાજા ફળો, ફ્રૂટ જ્યુસ અને પૌષ્ટિક આહાર સમયસર મળે તેવી વ્યવસ્થા કરવા તેમજ પ્લેટલેટ્સના પૂરતા સ્ટોક પર વિશેષ નજર રાખવા આદેશ કર્યો હતો.

    સારવાર હેઠળના જવાનોમાંથી એક જવાનના અચાનક થયેલા દુઃખદ અવસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ અત્યંત આઘાતજનક ઘટના છે. પ્રાથમિક માહિતી મુજબ, જવાનને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતાં તાત્કાલિક ICUમાં ખસેડાયા હતા, જ્યાં કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હોવાની આશંકા છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. રાજ્ય સરકાર શોકગ્રસ્ત પરિવારના દુઃખમાં સહભાગી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જવાનોના રહેઠાણ સ્થળે દૈનિક બે વાર ફોગિંગ અને કીટકનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ ૨૪/૭ મોનિટરિંગ સાથે નિષ્ણાત રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ જવાનોની સેવા માટે તૈનાત કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply