એસ.ટી.ના કર્મચારીઓ બાદ સરકારી શાળાના કાયમી શિક્ષકો પણ એક દિવસીય સામુહિક રજા પર
Live TV
-
એસ.ટી.ના કર્મચારીઓ બાદ રાજ્યના સરકારી શાળાના કાયમી શિક્ષકો પણ એક દિવસીય સામુહિક રજા પર હતા.બપોર સુધી ચાલેલા આંદોલનનો આખરે અંત આવ્યો છે. શિક્ષણ સંઘના હોદેદારો અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બંધ બારણે થયેલી બેઠકમાં સમાધાન થયું છે. અંદાજે 2 હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરાયી હતી. શિક્ષકો દ્વારા 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવી અલગ ગ્રેડ પે નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી હતી. જો કે આજે શિક્ષણ કાર્ય ચાલુ રખાયું હતું. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં એસ.ટી.કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના આંદોલન તથા હડતાળ અંગે તેમના પ્રશ્નો અંગેની ચર્ચા માટે ત્રણ મંત્રીઓની સમિતિની રચના કરી છે. આ ત્રણ મંત્રીઓમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ કર્મચારીમંડળોને અનુરોધ કર્યો છે કે સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીતને વાટાઘાટોથી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી છે ત્યારે આંદોલનકારી કર્મચારીઓ આ સમિતિ સાથે વાતચીત અંગે સકારાત્મકતા દાખવી વાટાઘાટો માટે આગળ આવે.
આરોગ્ય વિભાગ અને એસટી વિભાગના કર્મચારીઓની હડતાળ બાદ હવે પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ હડતાળ પાડી હતી ત્યારે અંબાજીમાં પ્રાથમિક શાળાના 21 જેટલા શિક્ષકોએ માસ સીએલ મૂકી શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હતા. પરંતુ કાયમી શિક્ષકો હડતાળ પર ઊતરતા વિદ્યા સહાયક શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણની બાજી સંભાળી હતી. અને શાળાની પ્રથમ પાળીનું શિક્ષણ આજે રાબેતા ચાલુ જોવા મળ્યું હતું. વિદ્યાસહાયકો ઓછા હોવાથી બબ્બે વર્ગો ભેગા બેસાડીને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું.
